સત્ય. સાહસ. સંકલ્પ.

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ: 4 કરોડ લોકોને પાણીની સુરક્ષા

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ: 4 કરોડ લોકોને પાણીની સુરક્ષા

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે તેની મહત્તમ જળસપાટી 138.68 મીટરને સ્પર્શી ગયો છે. વર્ષ 2017માં ડેમનું લોકાર્પણ થયા બાદ આ સાતમી વખત છે જ્યારે ડેમ સંપૂર્ણ ભરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણાં કર્યા અને જળપૂજન કર્યું હતું.

17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારબાદ આ સતત સાતમી વખત છે જ્યારે ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 44,884 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 99.50 ટકા જેટલો ભરાવ થયો છે અને 5,747.12 એમસીએમ (MCM) જેટલો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. ડેમમાંથી 12,788 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન કાર્યરત કરીને વીજ ઉત્પાદન શરૂ કરાયું છે, જ્યારે રિવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ રાખવામાં આવ્યા છે.

ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં રાજ્યના 10,453 ગામડાં, 191 નગરો અને 7 મહાનગરપાલિકાઓના આશરે 4 કરોડ નાગરિકો માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા નિશ્ચિત થઈ છે. આગામી સમગ્ર વર્ષ માટે ખેડૂતો અને સામાન્ય જનતામાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.