સત્ય. સાહસ. સંકલ્પ.

સારા અલી ખાને બરફવર્ષા વચ્ચે કેદારનાથમાં સામાન્ય શ્રદ્ધાળુની જેમ લાઇનમાં ઊભા રહીને દર્શન કર્યા

સારા અલી ખાને બરફવર્ષા વચ્ચે કેદારનાથમાં સામાન્ય શ્રદ્ધાળુની જેમ લાઇનમાં ઊભા રહીને દર્શન કર્યા

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને રવિવારે ચૂપચાપ કેદારનાથ ધામનાં દર્શન કર્યાં હતાં. તેઓ હેલિકોપ્ટર દ્વારા ધામ પહોંચ્યાં હતાં. તેમના આગમન બાદ ધામમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી, જેના કારણે ઠંડી વધી ગઈ હતી અને સારા લોકો વચ્ચે ઠૂંઠવાતી જોવા મળી હતી. આ દરમિયાન તેમણે મંદિરના કર્મચારીઓ અને અધિકારીઓથી અંતર જાળવી રાખ્યું હતું.

સારા લગભગ અડધો કલાક સુધી લાઇનમાં ઊભાં રહ્યાં હતાં. ત્યાં હાજર લોકો તેમને ઓળખી શક્યા નહોતા. ઠંડીને કારણે સારા ઠૂંઠવાતી જોઈને ત્યાં ઊભેલી મહિલાઓએ તેમને શાલ ઓઢાડવાની ઓફર કરી હતી, પરંતુ તેઓ તેમને ઓળખી શક્યાં નહોતાં. સારા પોતાના મિત્રો સાથે ધામ પહોંચ્યાં હતાં અને તેમણે કેદારનાથના રક્ષક બાબા ભુકુંટ ભૈરવના દર્શન પણ કર્યાં હતાં.

શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ આ વર્ષે બિન-સનાતનીઓના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે કેદારનાથમાં પ્રવેશ માટે સારા અલી ખાને પહેલાં એફિડેવિટ આપીને જણાવવું પડશે કે તેમની સનાતન ધર્મમાં આસ્થા છે. વિવાદ વધતાં BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા તમામ લોકોનું સ્વાગત છે.

તસવીરોમાં સારા અલી ખાન બાબા કેદારના દર્શન કરતી વખતે ઠંડીથી ધ્રૂજતી જોવા મળી હતી. તેમણે શૉલ, મોજાં, પુલઓવર અને ઊનની ટોપી પહેરી હતી. સારા મંદિરસંકુલમાં એકલી ફરતી જોવા મળી હતી અને લોકો તેમને ઓળખી શક્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાને ગયા વર્ષે 22 ઑક્ટોબરે પણ કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. તેમણે પોતાની યાત્રાની અનેક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. મંદિરમાં દર્શન કરતી તસવીરો સાથે તેમણે લખ્યું હતું, 'આવતા વર્ષે ફરી બોલાવજો.' કેદારનાથ ધામ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું, 'જય શ્રી કેદાર. દુનિયાનું એકમાત્ર એવું સ્થળ, જે સંપૂર્ણપણે જાણીતું લાગે છે અને આજે પણ દર વખતે મને આશ્ચર્યચકિત કરી દે છે. માત્ર આભાર. મારી પાસે જે કંઈ છે, તે બધું આપવા અને મને જે કંઈ છું તે બનાવવા બદલ આભાર.'

સારાનો કેદારનાથ સાથેનો પહેલો આધ્યાત્મિક અને વ્યાવસાયિક સંબંધ 2017માં તેમની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન થયો હતો. ત્યાર બાદ તેઓ સતત અહીં આવતાં રહ્યાં છે. ઓક્ટોબર 2024માં દિવાળી પહેલાં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને તસવીરો શેર કરી હતી. 2023માં તેમણે બે વખત ધામની યાત્રા કરી હતી. 6 મે 2023ના રોજ તેમણે કેદારનાથ અને તુંગનાથનાં દર્શન કર્યાં હતાં, જ્યારે લગભગ છ મહિના બાદ ઓક્ટોબર 2023માં તેઓ ફરી કેદારનાથ પહોંચ્યાં હતાં. આ ઉપરાંત નવેમ્બર 2021માં સારા અલી ખાન પોતાની મિત્ર અને અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે પણ કેદારનાથનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં.

સારાએ 2020માં કાશીમાં શ્રી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કરી હતી. તે દિવસોમાં તેઓ માતા અમૃતા સિંહ સાથે વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. સારાએ તેના બે દિવસ પહેલાં ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને કાશી વિશ્વનાથ મંદિરમાં ષોડશોપચાર પૂજા-અર્ચના કરી હતી તેમજ શિવલિંગને સ્પર્શ કર્યો હતો. આ અંગે સંતો અને વિદ્વાનોએ વાંધો નોંધાવ્યો હતો. સારા અલી ખાન 2022માં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થયાં હતાં. ભસ્મ આરતી બાદ તેઓ ગર્ભગૃહમાં જઈને શિવલિંગનાં દર્શન કર્યાં હતાં. તેમણે નંદી હૉલમાં બેસીને લગભગ અડધા કલાક સુધી મંત્રોનો જાપ કર્યો હતો.