સત્ય. સાહસ. સંકલ્પ.

દૃશ્યમ 3માં જામનગરની સંવેદના સુવાલકા ફરી વકીલના રોલમાં, MBBS છોડી અભિનય ક્ષેત્રે પ્રગતિ

દૃશ્યમ 3માં જામનગરની સંવેદના સુવાલકા ફરી વકીલના રોલમાં, MBBS છોડી અભિનય ક્ષેત્રે પ્રગતિ

ગાંધી જયંતીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ 'દૃશ્યમઃ ધ કન્ક્લૂઝન'માં ગુજરાતી અભિનેત્રી સંવેદના સુવાલકા ફરી એકવાર વકીલ ગાયત્રી મોહનના પાત્રમાં જોવા મળી છે. આ પહેલાં તે 'દૃશ્યમ 2'માં પણ આ જ પાત્રમાં જોવા મળી હતી.

જામનગરમાં જન્મેલી અને ઉછરેલી સંવેદનાને નાનપણથી જ નૃત્ય અને અભિનયમાં રસ હતો. ત્રણ વર્ષની ઉંમરે તેણે કથક શીખવાનું શરૂ કર્યું અને પાંચ વર્ષની ઉંમરે સ્ટેજ પર પ્રથમ પર્ફોર્મન્સ આપ્યું. બાદમાં ભરતનાટ્યમ પણ શીખી. તેમના પરિવારમાં મોટાભાગે ડૉક્ટર્સ હોવાથી એવી અપેક્ષા હતી કે તે પણ ડૉક્ટર બનશે.

દસમા ધોરણમાં તેમણે શેક્સપીયરના નાટકમાં કામ કર્યું અને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવ્યો. જામનગરમાં તે ગુજરાતી થિયેટરમાં પણ સક્રિય હતી. બારમા ધોરણ પછી તેમણે પુણેમાંથી MBBSનો અભ્યાસ કર્યો અને મુંબઈની સાયન હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી. પરંતુ તેમનું મન અભિનયમાં જ હતું, તેથી તેમણે થિયેટર જોડાણ કર્યું અને બે વર્ષનો અભિનય કોર્સ સુભાષ ઘાઈની અભિનય એકેડેમી વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલમાંથી પૂર્ણ કર્યો. તેમણે થિયેટર કલાકાર સલીમ આરિફ અને લુબના સલીમ ગ્રુપ સાથે પણ કામ કર્યું.

વર્ષ 2013માં ગુજરાતી ફિલ્મ 'હેપ્પી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ'માં અનાયા મહેતાના પાત્રથી તેમણે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. 2014ની ફિલ્મ 'બેયાર'થી ગુજરાતી દર્શકોમાં તેમની અલગ ઓળખ બની. 2016માં 'રિબેલિયસ ફ્લાર' દ્વારા હિન્દી સિનેમામાં પદાર્પણ કર્યું. 'દૃશ્યમ 2'માં અજય દેવગનની વકીલના રોલથી તેમની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો. અજય દેવગન, તબુ અને રજત કપૂર જેવા કલાકારો સાથે કામ કરવાનો અનુભવ તેમણે યાદગાર ગણાવ્યો હતો.

2024માં તેઓ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઇટર'માં બેલાના રોલમાં જોવા મળ્યા. 2023માં તેમણે OTT પ્લેટફોર્મ પર 'જી કરદા' અને 'જીબિલી' જેવી શ્રેણીઓમાં કામ કર્યું. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો'માં પણ તેમનો મહત્ત્વનો રોલ હતો.

સંવેદના સુવાલકા વિવિધ પ્રકારના પાત્રો ભજવવા માટે ઉત્સુક છે અને એક જ પ્રકારના રોલ સુધી મર્યાદિત રહેવા માંગતી નથી.