સત્ય. સાહસ. સંકલ્પ.

વૈભવ સૂર્યવંશી પર ન્યૂઝીલેન્ડની ખાસ નજર, કેપ્ટન સેન્ટનરે કહ્યું- અમારી પાસે યોજના તૈયાર છે

વૈભવ સૂર્યવંશી પર ન્યૂઝીલેન્ડની ખાસ નજર, કેપ્ટન સેન્ટનરે કહ્યું- અમારી પાસે યોજના તૈયાર છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આગામી T20 શ્રેણીને લઈને કિવી ટીમમાં ઉત્સાહ સાથે સાવચેતી પણ જોવા મળી રહી છે. ભારતીય ટીમ ચાર વર્ષ પછી ન્યૂઝીલેન્ડની ધરતી પર રમવા જઈ રહી છે. આ શ્રેણીમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. તેની આક્રમક બેટિંગને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે કહ્યું છે કે તેમની ટીમે યુવા બેટર માટે યોજના તૈયાર રાખી છે.

ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે 22 ઓક્ટોબરથી શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ મેચ પહેલાં યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં સેન્ટનરને વૈભવ સૂર્યવંશી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ટીમના ખેલાડીઓ જાણે છે કે વૈભવ કેટલો ખતરનાક બની શકે છે. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું કે જો વૈભવને રમવાની તક મળશે તો ન્યૂઝીલેન્ડની ટીમ તેનો સામનો કરવા તૈયાર છે.

સેન્ટનરે કહ્યું, “ભારતીય ટીમ અને તેની છેલ્લી શ્રેણી જોઈએ તો વૈભવ રમ્યો નહોતો, પણ અમે જોયું છે કે તે કેટલો સારો છે. IPL અને ટોપ ઓર્ડરમાં ભારત પાસે જે તાકાત છે, તેમાં સંજુ અને અભિષેક જેવા ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. અમે જાણીએ છીએ કે વૈભવ કેટલો સારો છે, જ્યારે હાલ રમી રહેલા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારત માટે ભવિષ્યમાં તેની મોટી ભૂમિકા રહેશે, પછી તે આ શ્રેણીમાં રમે કે ન રમે. જો તેને આ શ્રેણીમાં તક મળશે, તો અમે જોયું છે કે તે શું કરી શકે છે અને વિરોધી ટીમોને તેને રોકવો મુશ્કેલ લાગ્યો છે. મને ખબર છે કે ઇંગ્લેન્ડે તેની વિદેશ શ્રેણીમાં ઘણા ભારતીય બેટરો સામે ટૂંકી અને આક્રમક ગેંદબાજી કરી હતી, પણ IPLમાં અમે જોયું છે કે તે કેટલો આક્રમક રમી શકે છે. જો તે રમશે તો અમારી પાસે તેના માટે યોજના તૈયાર છે.”

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમમાં સંજુ સૅમસન અને અભિષેક શર્મા જેવા ઓપનરો પણ છે, જેમણે હાલમાં સારું પ્રદર્શન કર્યું છે. આથી વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં, તે અંગે ચર્ચા ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ વૈભવની આક્રમક બેટિંગને ધ્યાનમાં રાખીને તેના માટે અલગ વ્યૂહરચના બનાવી રહી છે.