સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરના સાંતેજમાં સિંઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, 3 જિલ્લાની ફાયર ટીમો ઘટનાસ્થળે

ગાંધીનગરના સાંતેજમાં સિંઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, 3 જિલ્લાની ફાયર ટીમો ઘટનાસ્થળે

અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક કારોલી પાસેના સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત 'સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ' નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ હાજર હોવાથી જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરીમાં ફોમ સીટો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના લીધે દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબંગ ગોટા ઊડતા નજરે પડ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કલોલ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, કલોલની 3 ગાડીઓ (ગાંધીનગર જિલ્લો), કડીની 2 ગાડીઓ (મહેસાણા જિલ્લો) ઉપરાંત ગાંધીનગરથી 2 ગજરાજ ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે કામે લગાવાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં માણસા, અમદાવાદ અને વડસરથી પણ વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી.

રાહતની વાત એ છે કે હાલના તબક્કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. પ્રાથમિક પૂછપરછ અનુસાર, આગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા તમામ શ્રમિકો સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ નુકસાની અને આગ લાગવાના સાચા કારણ અંગે વધુ માહિતી સામે આવશે.