અમદાવાદ નજીક ગાંધીનગરના સાંતેજ પાસે ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા 'સેપ્ટના મંડળી' ગરબા મહોત્સવમાં ગુરુવારે રાત્રે સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક સ્થાનિક યુવકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ગરબા ગ્રાઉન્ડની બહાર લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે યુવકોને પીછો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક સ્થાનિક શખ્સો પાસ વગર ગરબા ગ્રાઉન્ડમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે થોડી જ વારમાં મારામારીમાં પરિણમી. સ્થિતિ એટલી બગડી કે સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા અને સામસામે હુમલા થયા.
આ ઘટનાથી ગરબામાં મોંઘા પાસ લઈને આવેલા હજારો ખેલૈયાઓમાં ભારે દોડધામ મચી ગઈ. પ્રવેશદ્વાર પાસે તલવારો લહેરાતી જોઈને મહિલાઓ અને યુવતીઓ ગભરાઈ ગઈ અને થોડા સમય માટે ગરબાનો માહોલ તણાવપૂર્ણ બની ગયો.
ઘટનાની જાણ થતાં જ સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા એલસીબીની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં મામલો શાંત પાડી દેવામાં આવ્યો છે.
આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સુરેશ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.
નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં આયોજકો દ્વારા સુરક્ષાના નામે તલવારો કાઢવાની ઘટનાથી નાગરિકોમાં રોષ છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.