અમદાવાદના સાંતેજ વિસ્તારમાં નવરાત્રી દરમિયાન રોડ ક્રોસ કરવા બાબતે તનિષ પટેલ નામના યુવક પર જીવલેણ હુમલો કરવાના અને તેનો કાન કરડી લેવાના ચર્ચિત કેસમાં મુખ્ય આરોપી ભાવિક ગજ્જર 25 દિવસ વીતી ગયા છતાં પોલીસના હાથમાં ન આવ્યો હોવાથી પોલીસની કાર્યશૈલી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પૂરા થઈ ગયા હોવા છતાં, હત્યાના પ્રયાસના આરોપીને ઝડપવામાં પોલીસ સફળ ન થઈ હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. સાંતેજ પોલીસ અને એલસીબી સહિતની પાંચથી વધુ ટીમો તપાસ કરી રહી હોવાના દાવા વચ્ચે પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
રિચી રિચ પાન પાર્લરના માલિક ભાવિકને ભાગવામાં મદદ કરનાર તેના કૌટુંબિક ભાઈ અવણ ગજ્જરની ધરપકડ બાદ પોલીસે તપાસમાં ઢીલ અપનાવી હોવાનું મનાય છે. પૂછપરછમાં આરોપીઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા પાંચ રાજ્યોમાં હોટેલો ટાળીને માત્ર ગાડીમાં જ ફરતા હોવાનું ખૂલ્યું હતું.
આરોપી અગાઉ પૂર્વ યુવા નેતા રહી ચૂક્યો હોવાથી, શું કોઈ રાજકીય દબાણ હેઠળ પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે? તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.