દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ઓપનર સંજુ સેમસને આક્રમક બેટિંગ કરી. પહેલી મેચમાં માત્ર 10 રન બનાવનાર સંજુએ આ મેચમાં શરૂઆતથી જ અફઘાન બોલરો પર દબાણ બનાવ્યું હતું.
અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરતા સંજુએ પહેલી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી. ભારતે પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 82 રન બનાવ્યા હતા.
સંજુએ 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તે 22 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો. તેનો સ્ટ્રાઈક રેટ 259.09 રહ્યો. તેણે 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા.
આ ઈનિંગ સાથે સંજુએ T20Iમાં ઓપનર તરીકે 1000 રન પૂરા કર્યા. તે ભારત માટે આ સિદ્ધિ મેળવનાર પાંચમો ઓપનર છે. તેની પહેલા રોહિત શર્મા (3750 રન), કેએલ રાહુલ (1826), શિખર ધવન (1759) અને અભિષેક શર્મા (1726) આ આંકડો પાર કરી ચૂક્યા છે. સંજુનો સ્ટ્રાઈક રેટ 181.59 છે.
પ્રથમ T20માં અભિષેકે 32 બોલમાં 82 રન બનાવ્યા હતા. હવે બીજી મેચમાં સંજુએ પણ ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો છે. આ ઓપનિંગ જોડી ચર્ચાનો વિષય બની છે.