સત્ય. સાહસ. સંકલ્પ.

સંજય રાઉતને સુપ્રીમ કોર્ટની ટકોર: 'માફી દિલથી આવવી જોઈએ, દિમાગથી નહીં'

સંજય રાઉતને સુપ્રીમ કોર્ટની ટકોર: 'માફી દિલથી આવવી જોઈએ, દિમાગથી નહીં'

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કોર્ટમાં રૂબરૂ હાજરી આપી હતી, જ્યારે પત્રકાર નિખિલ વાગલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. કોર્ટે બંનેને શબ્દોના ઉપયોગમાં સંયમ રાખવાની ટકોર કરી હતી.

સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમારે સંજય રાઉતને કહ્યું કે તમે અનુભવી સાંસદ અને અખબારના તંત્રી છો, તેથી તમે પ્રેસ સાથે જોડાયેલા છો અને શબ્દોના ઉપયોગમાં સંયમ કેટલો જરૂરી છે તે તમે જાણતા હોવા જોઈએ. તેમણે પૂછ્યું કે કોર્ટની નોટિસ પછી પણ આવા નિવેદનો કેમ આપવામાં આવ્યા? કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ મામલાના બે પાસા છે અને આટલા ગંભીર કેસમાં માફી મગજથી નહીં, દિલથી આવવી જોઈએ.

પત્રકાર નિખિલ વાગલેના ટ્વીટ અંગે કોર્ટે કડક ટિપ્પણી કરી. જસ્ટિસ અરવિંદ કુમારે નોંધ્યું કે ટ્વીટમાં વપરાયેલી ભાષા ખૂબ ખરાબ છે અને તે શબ્દો અદાલતમાં દોહરાવી પણ ન શકાય. કોર્ટે કહ્યું કે પ્રેસ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તેના દરેક સભ્યને સન્માનની નજરે જોવામાં આવે છે. આ ટિપ્પણી બાદ વાગલે વતી વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું કે વાગલેએ જે કર્યું તે ખોટું અને અત્યંત દુઃખદ છે. તેમણે ઉમેર્યું કે વપરાયેલો અપશબ્દ સામાન્ય બોલચાલમાં પ્રચલિત હોવા છતાં તે ગરિમાપૂર્ણ નથી.

સુપ્રીમ કોર્ટે આ મામલો શાંત કરવાની ઈચ્છા વ્યક્ત કરતા બંને પક્ષોને વધારાનું સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી 8 ડિસેમ્બરે યોજાશે, જેમાં સંજય રાઉત અને નિખિલ વાગલે બંનેને રૂબરૂ હાજર રહેવાનો આદેશ કરાયો છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના અધ્યક્ષ પ્રદીપ રોયે રજૂઆત કરી હતી કે તેમના વિરુદ્ધ પણ નિવેદનો આપવામાં આવ્યા છે અને તે અંગે હાઈકોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે. તેમણે અન્ય બે ટ્વીટનો હવાલો આપતા કહ્યું કે તેમાં ન્યાયતંત્રના એક સ્તંભના પતનની વાત કરવામાં આવી છે. તેમણે દલીલ કરી કે સંબંધિત વ્યક્તિએ માફી માંગી લીધી છે, પરંતુ તેમના આચરણ પર પણ વિચાર કરવો જરૂરી છે. બીજી તરફ, સંજય રાઉતના વકીલે દાવો કર્યો કે તેમનું સોગંદનામું રેકોર્ડ પર છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગઈકાલ રાત સુધી કોઈ સોગંદનામું રેકોર્ડ પર ઉપલબ્ધ નહોતું. રાઉતના વકીલે વધુમાં જણાવ્યું કે સોગંદનામું અગાઉ પણ દાખલ કરાયું હતું પરંતુ તે સ્વીકારાયું નહોતું, જોકે કોર્ટના ઓફિસ રિપોર્ટમાં જવાબ દાખલ થયાનું જણાવાયું છે.