સત્ય. સાહસ. સંકલ્પ.

સંજય રાઉતે CJI સામે માફી માંગી, સુપ્રીમ કોર્ટમાં 17 નવેમ્બરે હાજર થવું પડશે

સંજય રાઉતે CJI સામે માફી માંગી, સુપ્રીમ કોર્ટમાં 17 નવેમ્બરે હાજર થવું પડશે

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત સામેની ટિપ્પણી બદલ બિનશરતી માફી માંગી છે. તેમણે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે તેમનો ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો.

રાઉતે સોગંદનામામાં કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા અને ગરિમાનું સન્માન કરે છે. તેમણે કોર્ટની ગરિમા, સ્વતંત્રતા અને સત્તાને ઓછી કરવાનો કોઈ ઈરાદો વ્યક્ત કર્યો ન હતો.

આમ છતાં, સુપ્રીમ કોર્ટે તેમને 17 નવેમ્બરે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 28 ઑક્ટોબરે થયેલી સુનાવણીમાં રાઉત તરફથી કોઈ વકીલ હાજર રહ્યો નહોતો અને તેમનું માફીનામું કોર્ટના રેકોર્ડમાં નોંધાયેલું ન હતું. તેથી કોર્ટે તેમને રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું હતું.

આ વિવાદની શરૂઆત સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી. તેમણે અલ્બાનિયામાં થયેલા હિંસક પ્રદર્શનનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે ભ્રષ્ટ વડાપ્રધાનોને મદદ કરવાના આરોપમાં ત્યાંની જનતાએ સુપ્રીમ કોર્ટને આગને હવાલે કરી દીધી હતી અને સરકારી ઈમારતો પર હુમલા કર્યા હતા. તેમણે ભારત સહિત અન્ય દેશોને પણ આ ઘટનામાંથી બોધપાઠ લેવાની સલાહ આપી હતી.

આ પોસ્ટ બાદ ભારતીય જનતા પાર્ટીએ રાઉત પર દેશમાં અરાજકતા ફેલાવવાનો, હિંસાને પ્રોત્સાહન આપવાનો અને કોર્ટને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

હવે સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બરે સંજય રાઉતની રૂબરૂ હાજરી દરમિયાન તેમના માફીનામા પર વિચાર કરશે અને આગળની કાર્યવાહી નક્કી કરશે.