સિનિયર અભિનેતા સંજય મિશ્રાને ફિલ્મ 'ભક્ષક' માટે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પુરસ્કાર મળ્યો છે. 35 વર્ષથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા સંજય મિશ્રાનો આ પહેલો નેશનલ અવોર્ડ છે.
અવોર્ડ જીત્યા બાદ તેમણે કહ્યું, 'સૌથી પહેલાં હું ડિરેક્ટરનો આભાર માનીશ, જેમણે મને આ ફિલ્મમાં કાસ્ટ કર્યો. પછી રેડ ચિલીઝનો આભાર માનીશ, જે આવી ફિલ્મોને પ્રોત્સાહન આપે છે. અને ભૂમિ પેડણેકરનો આભાર માનીશ. ભૂમિ સાથે હું જે પણ કામ કરું છું, તે સારું જ બને છે. ખૂબ મજા આવે છે. 'દમ લગા કે હઈશા' માટે ખૂબ પ્રશંસા મળી હતી અને હવે આ બીજી ફિલ્મ છે. આ સ્ક્રિપ્ટ ખૂબ જ વાસ્તવિક વાર્તા હતી. કલાકારોએ મોઢેથી નહીં, પરંતુ પોતાના કામથી બોલવું જોઈએ. મને લાગે છે કે મેં મારી જવાબદારી નિભાવી.'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અવોર્ડ પર કોનું નામ લખાવવા માંગો છો, ત્યારે તેમણે ભાવુક થઈને કહ્યું, 'મેં મારા પિતાનું નામ સંજય શંભુનાથ મિશ્રા લખાવ્યું. સૌથી મહત્વની વાત એ છે કે તેમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી છે, જેણે અમારું પાલન-પોષણ કર્યું. મારા પિતાજીનો પગાર ત્યાંથી આવતો હતો. પીઆઈબીમાં પણ પિતાજીએ કામ કર્યું હતું.'
માતાની પ્રતિક્રિયા પૂછતાં તેમણે માતાની નકલ ઉતારતાં કહ્યું, 'દીકરા, ખૂબ સરસ, પરંતુ તમે જમ્યા છો કે નહીં? કાર્યક્રમ ઘણો લાંબો ચાલ્યો છે, પેલા લોકોએ કંઈ ખવડાવ્યું કે નહીં? પપ્પા હોત તો સારું થાત.' સંજય મિશ્રા પત્ની સાથે સેરેમનીમાં પહોંચ્યા હતા. તેમણે વધુમાં કહ્યું, 'હવે ઘરમાં થોડું માન વધી જશે, નહીં તો અમે પતિ કયા કામના.'
બીજી તરફ, હિન્દી ફિલ્મ 'મેદાન'ના ગીત 'જાને દો' માટે મનોજ મુન્તશિરને બેસ્ટ લિરિક્સનો અવોર્ડ મળ્યો છે. તેમણે કહ્યું, 'આ ગીત અમે ચેન્નાઈમાં એ. આર. રહેમાન સરના સ્ટુડિયોમાં બનાવ્યું હતું. રાત્રે લગભગ 3 વાગ્યે સરે ધૂન આપી. ધૂન એવી હતી કે આંખોમાં આંસુ આવી જાય. છત પર એક ઝૂલો હતો, તેના પર બેસીને મેં બે પંક્તિઓ લખી- 'યે આવાઝોં કે ધાગે ખોલે ઔર તરાને ગાને દો, મૈદાનોં મેં ધૂમ ન કમ હો, જાતે હૈં હમ જાને દો.' હું નીચે ઉતર્યો, મેં રહેમાન સરને સંભળાવ્યું અને ત્યાં રહેમાન સર, બોની કપૂરજી તથા અમારા ડિરેક્ટર અમિત શર્મા, બધા જ હાજર હતા. મારા મોઢેથી આ બે પંક્તિઓ નીકળતાં જ રહેમાન સરે કહ્યું- 'મનોજજી, આ નેશનલ એવોર્ડ છે.' જુઓ કેવો સંયોગ હતો. તે સમયે હું માત્ર સ્મિત કરીને રહી ગયો. પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે આ ખરેખર થશે.'
તેમણે આગળ કહ્યું, 'દિવ્ય ભાસ્કરના મારા જે દર્શકો અને વાચકો છે, તેમને હું કહેવા માગું છું કે તમે મારી પાસેથી જે પણ અપેક્ષાઓ રાખી છે, તેને તૂટવા નહીં દઉં. મારા ભાગની ભૂલો હું કરી ચૂક્યો છું. આ પછી હું પ્રતિજ્ઞાબદ્ધ છું કે તમારી અપેક્ષાઓ સાથે કોઈ ચેડાં નહીં થવા દઉં.'
અવોર્ડ કોને સમર્પિત કરશો? પૂછતાં તેમણે કહ્યું, 'મેં આ અવોર્ડ મારી પત્ની નીલમ મુન્તશિરને સમર્પિત કર્યો છે. જ્યારે પહેલો અવોર્ડ મળ્યો, ત્યારે ખૂબ જ ધૂમધામ હતી, મોટું નામ હતું, પરંતુ પહેલા અને બીજા અવોર્ડની વચ્ચે કેટલીક એવી ઘટનાઓ બની, જેમાં નીલમનું એક સાથી તરીકે મારી સાથે ઊભા રહેવું મને અંદર સુધી સ્પર્શી ગયું. મને લાગ્યું કે આપણી સૌથી પ્રિય મિત્ર પત્ની જ હોય છે.'
આ ઉપરાંત, હિન્દી ફિલ્મ 'સ્ત્રી 2'ના ગીત 'આજ કી રાત' માટે વિજય ગાંગુલીને પણ અવોર્ડ મળ્યો છે.