સત્ય. સાહસ. સંકલ્પ.

સંજય ગુપ્તાના બાળકોના મિડલ ફિંગર વિવાદ પર પત્ની અનુરાધાએ કહ્યું: બાળકો આઘાતમાં છે, તેમને માફ કરો

સંજય ગુપ્તાના બાળકોના મિડલ ફિંગર વિવાદ પર પત્ની અનુરાધાએ કહ્યું: બાળકો આઘાતમાં છે, તેમને માફ કરો

'કાબિલ', 'કાંટે' અને 'શૂટઆઉટ એટ વડાલા' જેવી ફિલ્મોના ડિરેક્ટર સંજય ગુપ્તાનું 30 ઑક્ટોબરે રસોડામાં પડી જવાથી નિધન થયું હતું. 31 ઑક્ટોબરે મુંબઈના પવન હંસ સ્મશાનઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના બાળકોએ સ્મશાનઘાટ પહોંચેલા પાપારાઝી (ફોટોગ્રાફરો)ને મિડલ ફિંગર દેખાડ્યું હતું અને હસતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બાળકોની ટીકા થવા લાગી હતી. હવે દિવંગત ડિરેક્ટરની પત્ની અનુરાધા લેખી અને તેમના નજીકના મિત્ર તથા ડિરેક્ટર મિલાપ ઝવેરીએ આ મામલે સ્પષ્ટતા કરી છે.

મિલાપ ઝવેરીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અનુરાધા લેખી તરફથી પોસ્ટ લખી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, "અમારી જિંદગીનો એક હિસ્સો હંમેશા માટે અમારાથી છીનવાઈ ગયો છે. આ નુકસાનની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી અને આ ખાલીપો ભરી શકાય તેમ પણ નથી. અમારા સમગ્ર પરિવાર તરફથી હું પરિવારના તમામ સભ્યો, મિત્રો, સંજયના પ્રશંસકો અને મીડિયા સાથે જોડાયેલા લોકોનો દિલથી આભાર માનું છું. એક અકસ્માતમાં પડી જવાથી સંજયના માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું અકાળે નિધન થયું."

બાળકોના વલણ અંગે સ્પષ્ટતા કરતાં પોસ્ટમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, "સંજય પોતાના પરિવાર અને બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. બાળકો હજુ કિશોરાવસ્થામાં છે અને તેમણે અચાનક પોતાના પ્રિય પિતાને ગુમાવી દીધા છે. સંજયનો પરિવાર હંમેશાં મીડિયાની ચમકદમક અને પાપારાઝીની દખલગીરીથી દૂર રહ્યો છે. આવા મુશ્કેલ સમયમાં તેમના અંગત જીવનમાં અચાનક મીડિયાની દખલગીરીથી પરિવારને ઘણું દુઃખ થયું છે. આ દુઃખ અને આઘાતમાં પરિવારના કેટલાક સભ્યોએ મીડિયાના કેટલાક લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હશે. જો તેમની કોઈ વાતથી કોઈને ઠેસ પહોંચી હોય, તો મને તેનું દુઃખ છે."

પોસ્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, "હું સૌને અપીલ કરું છું કે પરિવારના સભ્યોની આ પ્રતિક્રિયાઓને સમજો. આ એ પીડાની અભિવ્યક્તિ છે, જેમાંથી પસાર થઈને બાળકો પોતાના પિતાને ગુમાવવાના દુઃખને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે બાળકોને માફ કરો અને એવી તસવીરો, વીડિયો અથવા કન્ટેન્ટ ડિલીટ કરી દો, જે તેમના મન પર લાંબા સમય સુધી ખરાબ અસર પાડી શકે છે. કૃપા કરીને તેમને પોતાના પિતાના નિધનના દુઃખમાંથી બહાર આવવા માટે જરૂરી સમય, સહાનુભૂતિ અને ગોપનીયતા આપો."

57 વર્ષીય સંજય ગુપ્તાનું નિધન 30-31 ઑક્ટોબરની મધરાતે મુંબઈના રામનગર સ્થિત તેમના ઘરે થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ થોડા કલાકો પહેલાં રસોડામાં પડી ગયા હતા, જેમાં માથાને ઈજા થતાં તેમનું નિધન થયું. પોલીસ તપાસમાં આને અકસ્માતજન્ય મૃત્યુ ગણવામાં આવ્યું છે અને તેમના પરિવારે કોઈપણ પ્રકારની શંકા વ્યક્ત કરી નથી.

ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિધનના સમાચાર મળ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટીઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. તેમાં ફરદીન ખાન, અભિષેક બચ્ચન, રાજપાલ યાદવ અને રાકેશ રોશન સામેલ છે.

મિલાપ ઝવેરીએ જણાવ્યું છે કે સંજય ગુપ્તાની પ્રેયર મીટ 3 નવેમ્બરે મુંબઈમાં ઇસ્કોન જુહુ નજીક આવેલા મંડપમ હોલમાં રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સંજય ગુપ્તાએ અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મ 'કાંટે'નું ડિરેક્શન કર્યું હતું. તેમના નિધન બાદ તેમની સાથે 9 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંજય દત્તે ભાવુક પોસ્ટ શેર કરીને તેમનું સપનું પૂરું કરવા 'કાંટે 2' બનાવવાની જાહેરાત કરી છે.