બોલિવૂડ અભિનેતા સંજય દત્ત તેમના એક નિવેદનને લીધે ફરી ચર્ચામાં આવ્યા છે. ગાંધી જયંતીના દિવસે શેખર સુમનના ટોક શો 'શેખર ટુનાઇટ'માં તેઓ મહેમાન તરીકે આવ્યા હતા. તે વખતે તેમણે કહ્યું કે તેમને હવે ભારતમાં પહેલા જેવી શાંતિ અનુભવાતી નથી. આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ અને લોકોએ તેમની ટીકા કરવા માંડી.
ટીકાઓ વધતાં સંજય દત્તે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગું છું કે કોઈપણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણી દુભાવવાનો, નારાજ કરવાનો કે અનાદર કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મારી વાતો એક સ્ક્રિપ્ટેડ વાતચીતનો ભાગ હતી. તેનો હેતુ 'મુન્ના ભાઈ' જેવી હળવાશ અને ગાંધીગીરીનો પ્રેમ-એકતાનો સંદેશ આપવાનો હતો. કમનસીબે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.'
શોમાં સંજય દત્તે તેમની જાણીતી ફિલ્મ 'મુન્ના ભાઈ MBBS'ના અંદાજમાં દેશની સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આ દેશના લોકો ખૂબ પ્રેમાળ છે. અહીં શાંતિ હોવી જોઈએ. મને હવે આપણા દેશમાં પહેલા જેવી શાંતિ અનુભવાતી નથી. આપણે ભારતીયો મોટા દિલવાળા અને અતિથિ સત્કાર કરનારા છીએ. આપણે ઘણું આપ્યું છે અને હંમેશાં એવા જ રહેવું જોઈએ. હું મહાદેવને પ્રાર્થના કરું છું કે તે જૂના શાંતિપૂર્ણ દિવસો જલદી પાછા આવે.'
આ જ શોના એક ભાગમાં સંજય દત્તને એક કાલ્પનિક પરિસ્થિતિ આપવામાં આવી હતી- જો તેઓ 5 મિનિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં હોય તો જનતાને શું કહેશે? જવાબમાં સંજય દત્તે કહ્યું હતું કે, 'બોલે તો આટલો મોટો દેશ છે, આટલા બધા લોકો છે અને હવે આ બધાની જવાબદારી મારા પર છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું આ ખુશી માણવા વિદેશ નથી જવાનો. હું અહીં જ રહીશ, તમારા બધાની વચ્ચે. નહીં તો પછી પીએમ અને જનતા વચ્ચે કનેક્શન કેવી રીતે બનશે?' આ વાતને લોકોએ વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પરના પરોક્ષ કટાક્ષ તરીકે લીધી હતી.
આ નિવેદન બાદ લોકોએ સંજય દત્તની જીવનશૈલી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સંજય દત્ત પાસે UAEનો 10 વર્ષનો ગોલ્ડન વિઝા છે. તેમની પત્ની માન્યતા દત્ત અને જોડિયા બાળકો શહરાન તથા ઇકરા દુબઈમાં રહે છે. સંજય દત્ત ફિલ્મી શૂટિંગ અને કામ માટે મુંબઈ-દુબઈ વચ્ચે આવ-જા કરતા રહે છે. આ કારણે કેટલાક યૂઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પોતે મોટાભાગે બહાર રહેતા હોવા છતાં દેશની શાંતિ પર સવાલ કેમ ઉઠાવી રહ્યા છે.
આ વિવાદ સાથે સંજય દત્તનો ભૂતકાળ પણ ફરી ચર્ચામાં આવ્યો. 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેમની સામે ટાડા (TADA) હેઠળ કેસ ચાલ્યો હતો. 2006માં ટાડા કોર્ટે તેમને ગેરકાયદે હથિયાર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી 6 વર્ષની કેદની સજા ફટકારી હતી. 2013માં સુપ્રીમ કોર્ટે સજા ઘટાડીને 5 વર્ષ કરી હતી અને તેમણે પુણેની યરવડા જેલમાં સજા પૂરી કરી હતી.