મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બોલિવૂડ અભિનેતા સંજય દત્તે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો છે. રવિવારે મુંબઈમાં યોજાયેલા દહીં હાંડી કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, 'હું છ વર્ષ સુધી યરવડા જેલમાં રહ્યો, ત્યારે પણ હું મરાઠી ભાષા શીખી શક્યો નહીં.' આ નિવેદનને લઈને હવે રાજકીય વિવાદ સર્જાયો છે.
આ કાર્યક્રમ થાણેમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આયોજિત કર્યો હતો. સંજય દત્ત મંચ પર હિન્દીમાં બોલી રહ્યા હતા, ત્યારે મંત્રીએ તેમને મરાઠીમાં બોલવા કહ્યું હતું. જોકે, 67 વર્ષીય અભિનેતાએ રમૂજી અંદાજમાં તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
આ ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ પ્રતાપ સરનાઈક પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જો કોઈ કલાકાર મરાઠી નથી જાણતો, તો તેના પર તમે હસો છો, પરંતુ બીજી તરફ સામાન્ય રિક્ષાચાલકો પર મરાઠી ભાષાને લઈને દબાણ કરવામાં આવે છે. આ કેવો ન્યાય છે?' તેમણે વધુમાં કહ્યું કે, 'એકનાથ શિંદેએ તેમને ક્યારેય કંઈ કરવા દીધું નથી. ત્યાં ડમી મંત્રીની જરૂર છે, તેથી તેઓ છે.'
સંજય દત્તના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, મરાઠી ભાષા ફરજિયાત કરવાનો નિયમ ફક્ત ઓટો-રિક્ષા અને ટેક્સીવાળાઓ માટે છે, મોટા લોકો માટે નહીં. અન્ય કેટલાક લોકોએ સંજય દત્તની ટીકા કરતા કહ્યું કે, આખી જીંદગી મહારાષ્ટ્રમાં રહીને પણ તેમને મરાઠી ન આવડવી એ શરમજનક છે.
દરમિયાન, મંચ પરથી ઉતરતી વખતે એક વ્યક્તિએ સંજય દત્તને ધક્કો માર્યો હતો. અભિનેતાએ તે વ્યક્તિનો હાથ પકડીને પોતાની તરફ ખેંચ્યો હતો. જેવું તે વ્યક્તિએ જોયું કે તે સંજય દત્ત છે, તેણે તરત જ માફી માંગી લીધી હતી.