બોલિવૂડ અભિનેતા સંજય દત્ત મરાઠી બોલવાનો ઇનકાર કરવાના મુદ્દે ચર્ચામાં આવ્યા બાદ, તેમણે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને ફોન કરીને માફી માંગી છે. તેમણે કહ્યું છે કે, તેમને મરાઠી સારી રીતે આવડે છે અને જો તેમના નિવેદનથી ખોટો સંદેશ ગયો હોય તો તેઓ માફી માંગે છે.
આ ઘટના થાણેમાં આયોજિત દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કાર્યક્રમ શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આયોજિત કર્યો હતો. કાર્યક્રમમાં સંજય દત્ત મંચ પર હિન્દીમાં બોલી રહ્યા હતા, ત્યારે મંત્રીએ તેમને મરાઠીમાં બોલવા કહ્યું. 67 વર્ષીય અભિનેતાએ રમૂજી અંદાજમાં મરાઠી બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, તેઓ છ વર્ષ યરવડા જેલમાં રહ્યા, ત્યારે પણ મરાઠી શીખી શક્યા નથી.
આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. ઘણા લોકોએ સંજય દત્તની ટીકા કરી, જ્યારે કેટલાકે મંત્રીના વલણ પર સવાલ ઉઠાવ્યા. ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ કહ્યું કે, સામાન્ય રિક્ષાચાલકો પર મરાઠી બોલવાનું દબાણ કરવામાં આવે છે, પણ કલાકારને માફ કરી દેવામાં આવે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પ્રતાપ સરનાઈક એક બેઠકમાં હતા ત્યારે સંજય દત્તનો ફોન આવ્યો. અભિનેતાએ વાતચીતની શરૂઆત મરાઠીમાં “પ્રતાપ ભાઈ, જય મહારાષ્ટ્ર” કહીને કરી. તેમણે સ્પષ્ટતા કરી કે, દહીં હાંડી કાર્યક્રમમાં તેમણે આ વાત મજાકમાં કહી હતી. તેમણે કહ્યું, “જો મારી વાતથી કોઈની ભાવના દુભાઈ હોય અથવા ખોટો સંદેશ ગયો હોય, તો હું માફી માંગું છું. મારો પરિવાર મુંબઈનો છે. હું આ જ માટીમાં ઉછર્યો છું અને મહારાષ્ટ્રે મને ઘણું આપ્યું છે.”
ફોન પર વાત કરતી વખતે સંજય દત્તે શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, તેમના પરિવારના મુશ્કેલ સમયમાં બાલાસાહેબ ઠાકરે તેમની સાથે મજબૂતીથી ઊભા રહ્યા હતા અને તેઓ તેમને હંમેશા સન્માન આપે છે.
આ વિવાદે મરાઠી ભાષાને લઈને ચાલતી ચર્ચાઓને ફરી ઉજાગર કરી છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક લોકો, ખાસ કરીને ઓટો-રિક્ષા ચાલકો પર મરાઠી બોલવા માટે દબાણ કરવામાં આવે છે, જ્યારે જાણીતી હસ્તીઓને આવા નિયમોમાંથી મુક્તિ મળતી હોવાની ટીકા થાય છે. સંજય દત્તે માફી માંગતા આ મુદ્દે નમતું જોખ્યું છે.