સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા કોર્ટનો ચુકાદો: 'સંદેશ'ના તંત્રી ફાલ્ગુન પટેલ બદનક્ષી કેસમાં દોષિત ઠર્યા

વડોદરા કોર્ટનો ચુકાદો: 'સંદેશ'ના તંત્રી ફાલ્ગુન પટેલ બદનક્ષી કેસમાં દોષિત ઠર્યા

વડોદરાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (કોર્ટ નં. 4)એ ગુજરાતી દૈનિક 'સંદેશ'ના મુખ્ય તંત્રી ફાલ્ગુન ચિમનભાઈ પટેલને ફોજદારી બદનક્ષીના એક કેસમાં દોષિત ઠેરવ્યા છે. 1999ના આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે અખબારમાં જેનું નામ તંત્રી તરીકે છપાયું હોય તે વ્યક્તિ અખબારમાં છપાયેલા દરેક શબ્દ માટે કાયદેસર જવાબદાર છે.

કેસની વિગત મુજબ, 'સંદેશ'માં વડોદરાના તત્કાલીન મામલતદાર ગંભીરસિંહ ધાકરે વિરુદ્ધ વલ્લભ વાટિકા સોસાયટી સંદર્ભે એક વિવાદિત અને બદનક્ષીભર્યો અહેવાલ પ્રકાશિત થયો હતો. ધાકરેએ આ અંગે ફોજદારી બદનક્ષીનો કેસ કર્યો હતો.

બચાવમાં ફાલ્ગુન પટેલે દલીલ કરી હતી કે તેઓ અમદાવાદની મુખ્ય ઓફિસથી વહીવટી કામગીરી સંભાળે છે અને વડોદરાની સ્થાનિક આવૃત્તિના સમાચાર અંગે તેમને સીધી જાણકારી હોતી નથી. બચાવ પક્ષે વડોદરાના રેસિડેન્ટ એડિટરનું સોગંદનામું રજૂ કરીને તમામ જવાબદારી તેમના શિરે નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મુખ્ય તંત્રીને કેસમાંથી ઉગારી શકાય. જો કે, કોર્ટે આ દલીલો ફગાવી દીધી.

કોર્ટે 'પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ, 1867'ની કલમ 7નો ઉલ્લેખ કરતા નોંધ્યું કે અખબારના મુખપૃષ્ઠ પર તંત્રી તરીકે ફાલ્ગુન પટેલનું નામ છપાય છે. કાયદા મુજબ અંકમાં પ્રકાશિત તમામ સામગ્રી માટે જાહેર કરાયેલા તંત્રી જ પ્રાથમિક રીતે કાયદાકીય રીતે જવાબદાર છે. અમદાવાદથી સંચાલન કરવું કે સ્થાનિક તંત્રીને જવાબદારી સોંપવી એ કાયદાકીય જવાબદારીમાંથી મુક્તિ આપતું નથી.

તપાસમાં સામે આવ્યું કે બચાવ પક્ષના સાક્ષીઓ ઘટનાના પ્રત્યક્ષદર્શી નહોતા અને અહેવાલ માત્ર અફવા પર આધારિત હતો. અહેવાલ છાપતા પહેલા મામલતદાર ધાકરેનો પક્ષ જાણવાનો કે તથ્યોની ચકાસણી કરવાનો કોઈ પ્રયાસ કરાયો નહોતો.

બચાવ પક્ષે એક ટેકનિકલ વાંધો પણ ઉઠાવ્યો હતો કે અખબારની જે નકલ (એક્ઝિબિટ 95) ફરિયાદીએ રજૂ કરી છે તે કોઈ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી હોવાનો પુરાવો નથી, તેથી તેને રદ ગણવી જોઈએ. કોર્ટે આ વાંધો ફગાવીને નોંધ્યું કે સંદેશના તંત્રી પક્ષે IPCની કલમ 499 હેઠળ એવો બચાવ કર્યો હતો કે તેમણે આ અહેવાલ શુભ નિષ્ઠા (Good Faith) અને જાહેર હિત માટે છાપ્યો હતો. કાયદા મુજબ જ્યારે પક્ષ પોતે સ્વીકારે કે અહેવાલ તેમણે છાપ્યો હતો, ત્યારે સમાચાર છપાયા હોવાની વાત આપોઆપ સ્વીકારાઈ જાય છે અને તેને અલગથી સાબિત કરવાની જરૂર રહેતી નથી. આમ, તેમની દલીલોમાં જ સમાચાર પ્રસિદ્ધ થયાનો કબૂલાત થઈ ગયો હોવાથી કોર્ટે અખબારની નકલને પુરાવા તરીકે માન્ય રાખી.

કોર્ટે 'શુભ નિષ્ઠા' અને જાહેર હિતના બચાવને પણ સખત શબ્દોમાં વખોડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે બચાવ પક્ષના સાક્ષીઓ ઘટનાના પ્રત્યક્ષદર્શી નહોતા અને અહેવાલ માત્ર અફવા પર આધારિત હતો.