સત્ય. સાહસ. સંકલ્પ.

બદનક્ષી કેસમાં સંદેશના તંત્રી ફાલ્ગુન પટેલને 20 દિવસની કેદ અને 15,000 રૂપિયાનો દંડ

બદનક્ષી કેસમાં સંદેશના તંત્રી ફાલ્ગુન પટેલને 20 દિવસની કેદ અને 15,000 રૂપિયાનો દંડ

વડોદરાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે સંદેશ અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને બદનક્ષીના એક 27 વર્ષ જૂના કેસમાં 15,000 રૂપિયાનો દંડ અને 20 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. એક સરકારી અધિકારીના ચરિત્ર વિશે ખોટા સમાચાર છાપીને તેમની બદનામી કરવાના આરોપમાં આ ચૂકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી પક્ષનો એ બચાવ ફગાવી દીધો કે સમાચાર જાહેર હિતમાં છાપ્યા હતા.

ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું કે કોઈ પણ વ્યક્તિના ચરિત્ર વિશે સમાચાર છાપતા પહેલા તેની સત્યતા અને આધારભૂત પુરાવાની પૂરતી ચકાસણી કરવી જરૂરી છે.

કેસની વિગત શું છે?

28 સપ્ટેમ્બર 1999ના રોજ વડોદરાથી પ્રસિદ્ધ થતા સંદેશ અખબારમાં વડોદરા તાલુકાના તત્કાલીન વર્ગ-2 અધિકારી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ગંભીરસિંહ ધાકરેના ચરિત્ર પર ગંભીર આક્ષેપ કરતા સમાચાર છપાયા હતા. આ સમાચારથી અધિકારીની સમાજમાં, સરકારી વર્તુળોમાં તથા તેમના પરિવાર અને સંબંધીઓમાં પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.

ખોટા સમાચાર છપાયા બાદ અધિકારીએ અખબારનો સંપર્ક કર્યો ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો અમે કહીએ તેમ નહીં કરો તો વડોદરામાં મામલતદાર તરીકે રહેવા નહીં દઈએ અને વધુ ગંદા સમાચાર છાપીને બદનામ કરી નાખીશું. આખરે 29 સપ્ટેમ્બર 1999ના રોજ ધાકરેએ નોટિસ મોકલી હતી. પરંતુ અખબારના સંચાલકોએ કોઈ સંતોષકારક જવાબ કે ખુલાસો આપ્યો ન હતો. ત્યારબાદ આઈપીસીની કલમ 500, 501, 502, 506, 507 તથા 114 હેઠળ સંદેશના તત્કાલીન એડિટર નવીનભાઈ ચૌહાણ (રેસિડેન્ટ એડિટર) અને મુખ્ય તંત્રી ફાલ્ગુનભાઈ ચિમનભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

લાંબી કાનૂની લડત દરમિયાન કેસના એક આરોપી નવીનભાઈ ચૌહાણનું 10 જૂન 2021ના રોજ અવસાન થતાં તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી. જ્યારે જ્યુ. મેજિસ્ટ્રેટ એચ. ડી. પંચાલે મુખ્ય તંત્રી ફાલ્ગુનભાઈ ચિમનભાઈ પટેલને બદનક્ષીના કેસમાં કસૂરવાર ઠેરવી 20 દિવસની સાદી કેદની સજા તથા 15,000 રૂપિયાના દંડનો આદેશ કર્યો હતો. જોકે, ધમકીના આરોપમાંથી તેમને છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

કોર્ટે 20 દિવસની સજાનો આદેશ કરતાં બચાવ પક્ષે આ સજા સામે સ્ટે મેળવી લીધો છે. હવે ફાલ્ગુન પટેલે 30 દિવસમાં સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના આદેશ સામે અપીલ કરવાની રહેશે.

સંદેશના વર્તમાન તંત્રી મયુર પાઠકને પણ અગાઉ સજા થઈ હતી

સંદેશની જેમ તે સમયે સુરતથી પ્રસિદ્ધ થતા ધબકાર અખબારમાં પણ મામલતદાર ધાકરેના ચરિત્ર અંગે ગંદા આક્ષેપો કરતા સમાચાર છપાયા હતા. એટલે ધબકારના તંત્રી મયુર પાઠક સામે પણ બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મયુર પાઠક હાલ સંદેશ (વડોદરા આવૃત્તિ)માં તંત્રી છે. અદાલતે અગાઉ તેમને બદનક્ષીના કેસમાં બે મહિનાની સજા કરી હતી. વડોદરા કોર્ટના ચૂકાદા સામે હાઈકોર્ટ સુધી લડત આપવામાં આવી હતી, જ્યાં હાઈકોર્ટે પણ સજા યથાવત્ રાખીને 18 દિવસની સજાનો આદેશ કર્યો હતો.

ધારાસભ્યની જુબાની પણ કામ ન આવી

આ કેસમાં જે લોકોએ સાક્ષી તરીકે જુબાની આપી હતી તેમાં ડભોઈના વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા પણ એક હતા. શૈલેષ મહેતા તથા સવજીભાઈ નામની વ્યક્તિએ આપેલી જુબાની અંગે કોર્ટે નોંધ્યું હતું કે આ સાક્ષીઓએ કોઈ ઘટના પોતાની આંખે જોઈ નથી, પરંતુ તેઓ ત્યાં ઉપસ્થિત લોકોની વાત સાંભળીને આવ્યા છે. કાયદાકીય દૃષ્ટિએ આ સાક્ષીઓની જુબાની હિયરસે વિટનેસ (સંભળાયેલી વાતોના સાક્ષી) ગણાય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચૂકાદા મુજબ, આવા પાયાવિહોણા અને અફવા આધારિત મૌખિક પુરાવાઓને બદનક્ષીના કેસમાં આધાર તરીકે ગણી શકાય નહીં.