સાણંદ તાલુકાના જુવાલ-માણકોલ રોડ પર આવેલી પાણીની ડીપ ખાતે શનિવારે સાંજે બે યુવકો સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી રહ્યા હતા, ત્યારે તેઓ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ઘટનામાં એક યુવકને સ્થાનિક મહિલાએ સમયસૂચકતા દાખવીને બચાવી લીધો હતો, જ્યારે બીજો યુવક લાપતા થઈ ગયો છે. બચાવાયેલા યુવકની સાણંદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, જુવાલ-માણકોલ રોડ પર વહેતી પાણીની ડીપ પર 25 વર્ષીય મહેશભાઈ કોળી પટેલ અને 21 વર્ષીય રાજેશભાઈ રાઠોડ રીલ્સ અને ફોટા પાડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીનું સ્તર વધતાં અને પ્રવાહ વધુ ઝડપી બનતાં બંને યુવકો પાણીમાં તણાઈ ગયા હતા.
ઘટનાસ્થળે હાજર એક સ્થાનિક મહિલાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતાં પોતાની સાડીનો છેડો ફેંકીને મહેશભાઈ કોળી પટેલને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે સાણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજેશભાઈ રાઠોડ પાણીના અતિ ઝડપી પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયા છે.
બનાવની જાણ થતાં જ બાવળા પોલીસ, 108 એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તણાઈ ગયેલા રાજેશ રાઠોડની શોધખોળ શરૂ કરી હતી. જોકે, રાત્રિના અંધકારને કારણે શોધખોળ કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ફરી શોધખોળ શરૂ કરવામાં આવશે.
આ ઘટના સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાના વધતા જતા ક્રેઝ તરફ પણ ધ્યાન દોરે છે, જેમાં યુવાનો જોખમી સ્થળોએ જઈને વીડિયો બનાવતા હોય છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને પાણીના પ્રવાહવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જોખમી સ્થળોએ ન જવા અપીલ કરવામાં આવી છે.