સત્ય. સાહસ. સંકલ્પ.

સાણંદમાં ફરી દીપડાનો ફફડાટ: કૂતરાનો શિકાર કર્યાના નિશાન, પાંજરા ગોઠવાયા

સાણંદમાં ફરી દીપડાનો ફફડાટ: કૂતરાનો શિકાર કર્યાના નિશાન, પાંજરા ગોઠવાયા

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચાએ ગ્રામજનોમાં ફફડાટ ફેલાવ્યો છે. મોટી દેવતી ગામ તરફ જતા રસ્તા પર દીપડાના પગલાં જોવા મળ્યા બાદ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત એક ઈંટના ભઠ્ઠા નજીક કૂતરાનો શિકાર થયો હોવાના નિશાન પણ મળી આવ્યા છે, જેને લઈને વન વિભાગે તપાસ શરૂ કરી છે અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી સાણંદ તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાની હિલચાલ સતત નોંધાઈ રહી છે. અગાઉ શેલા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હતો, ત્યારબાદ અન્ય સ્થળોએ પણ તેની હાજરીની આશંકા વ્યક્ત થઈ હતી. હવે મોટી દેવતી ગામની સીમમાં તેના આંટાફેરા હોવાની વાત સામે આવી છે. જંગલ જેવી ઝાડીઓ અને ઈંટના ભઠ્ઠાની આજુબાજુ દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા છે અને ત્યાં જ શ્વાનના શિકાર થયો હોવાનું જણાયું છે.

આ અંગે વન વિભાગના RFO હરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, મોટી દેવતી ખાતે દીપડો હોવાની વાત સાચી છે, પરંતુ દીપડો હજુ ચોક્કસ લોકેટ થયો નથી. ગામના લોકો કૂતરા ઓછા થવાની વાત કરે છે, પરંતુ એવું કંઈ પ્રોપર જાણવા મળ્યું નથી અને કૂતરાના મારણના ફોટા એક-બે દિવસ જૂના છે. અમે ગઈકાલે દીપડાનો રૂટ ફાઇનલ કરીને એક નવું પાંજરું મૂક્યું છે અને અગાઉના જૂના પાંજરા પણ ત્યાં જ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ અમે ડ્રોનથી સર્વેલન્સ કર્યું હતું અને આજે ફરીથી રી-સર્વે કરી રહ્યા છીએ જેથી તેના પગના માર્ક્સ કે ચિહ્નો દેખાય તો ટેરેટરી નક્કી કરી શકાય. આ અર્બન વિસ્તાર હોવાથી તથા સતત ટ્રાફિક અને કન્સ્ટ્રક્શન ચાલતું હોવાથી દીપડાની જગ્યા ફિક્સ નથી રહેતી અને તે સતત મુવ કરતો હોવાથી અમને તેને પકડવામાં મુશ્કેલી પડી રહી છે. જંગલ વિસ્તારની જેમ અહીં તેનો રૂટ ફિક્સ નથી રહેતો અને ખોરાક તથા પાણીની શોધમાં આ દીપડો એક દિવસમાં સરેરાશ 40થી 50 કે 60 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.