સેમસંગે ભારતીય બજારમાં બજેટ સેગમેન્ટમાં નવો સ્માર્ટફોન ગેલેક્સી A08 લોન્ચ કર્યો છે. જે ગ્રાહકો ઓછા બજેટમાં લાંબા સમય ચાલતી બેટરી, સારો કેમેરા અને વર્ષો સુધી સોફ્ટવેર સપોર્ટ ઇચ્છે છે, તેમના માટે આ ફોન યોગ્ય વિકલ્પ બની શકે છે.
6 વર્ષ સુધી OS અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ
સામાન્ય રીતે બજેટ ફોનમાં કંપનીઓ માત્ર 1 કે 2 વર્ષ સુધી જ સોફ્ટવેર અપડેટ આપે છે. સેમસંગે ગેલેક્સી A08માં 6 પેઢીના OS અપગ્રેડ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. આનાથી ફોન લાંબા સમય સુધી સુરક્ષિત અને ઝડપી રહેશે. ઉપરાંત, પાસવર્ડ અને બાયોમેટ્રિક ડેટાની સુરક્ષા માટે સેમસંગનું નોક્સ (Knox) સિક્યોરિટી પ્લેટફોર્મ પણ આપવામાં આવ્યું છે.
AI ફીચર્સનો સપોર્ટ
ફોનમાં સર્કલ ટુ સર્ચ 3.0, ગૂગલ જેમિની અને પરપ્લેક્સિટી AI જેવા ટૂલ્સ મળે છે. વપરાશકર્તા પાવર બટન દબાવીને કે વોઇસ કમાન્ડથી જેમિની અને પરપ્લેક્સિટીની મદદથી સવાલોના જવાબ મેળવી શકે છે. સેમસંગના ક્વિક શેર, મોડ્સ અને રૂટિન જેવા ફીચર્સ પણ સામેલ છે.
ડિસ્પ્લે, પ્રોસેસર અને સ્ટોરેજ
ફોનમાં 6.7 ઇંચની HD+ PLS LCD ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. MediaTek Helio G99+ પ્રોસેસર સાથે 4GB RAM આપવામાં આવી છે. 64GB ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડથી 2TB સુધી વધારી શકાય છે.
કેમેરા
રિયર પેનલ પર 50MP મુખ્ય સેન્સર (f/1.8) અને 2MP ડેપ્થ સેન્સર (f/2.4) સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ઓછા પ્રકાશમાં પણ સ્પષ્ટ ફોટા મળે છે. આગળ 8MP (f/2.0) સેલ્ફી કેમેરો છે.
બેટરી અને ડિઝાઇન
6,000mAh બેટરી 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન 8mm પાતળો છે. સ્ક્રીન પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 અને IP64 રેટિંગ (ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ) આપવામાં આવ્યું છે.
કિંમત, કલર અને ઉપલબ્ધતા
ભારતમાં 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹18,499 છે. ફોન ડાર્ક બ્લુ, ગ્રીન અને સિલ્વર એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.