ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહની મંગેતર અને અભિનેત્રી સમરીન કૌરે યુટ્યુબર આશિષ ચંચલાની સાથેની પોતાની જૂની તસવીરો અને વીડિયો વાયરલ થવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું કે છેલ્લા ચાર વર્ષથી આશિષ સાથે તેમની કોઈ વાતચીત થઈ નથી.
સમરીને જણાવ્યું કે 11 નવેમ્બરે અર્શદીપ સિંહ સાથે સગાઈ કર્યા બાદ સોશિયલ મીડિયા પર આશિષ અને તેમના જૂના ક્લિપ્સને એડિટ કરીને ફેલાવવામાં આવી રહ્યા હતા. તેમણે આવા ભ્રામક કન્ટેન્ટ બનાવનારા કન્ટેન્ટ ક્રિએટર્સ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
સમરીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ઇન્ટરનેટ એક અજીબ જગ્યા છે, જે ક્યારેક મજેદાર તો ક્યારેક નિરાશાજનક લાગે છે. તેમણે જણાવ્યું કે સવારે ઊઠતાં જ તેમને એક યુટ્યુબર સાથેના ચાર વર્ષ જૂના સહયોગની એડિટ કરેલી રીલ્સ જોવા મળી.
સમરીને સ્પષ્ટ કર્યું કે ચાર વર્ષ પહેલાં તેમણે સાથે કામ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ ન તો તેમની કોઈ વાતચીત થઈ છે અને ન તો કોઈ કન્ટેન્ટ બનાવવામાં આવ્યું છે. તેમણે વ્યૂઝ માટે જૂની તસવીરોનો ફરીથી ઉપયોગ ન કરવાની અપીલ કરી.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા યુઝર્સને ચેતવણી આપતાં કહ્યું કે ક્લિક્સ અને વ્યૂઝ મેળવવા માટે તેમના નામ અથવા તસવીરોનો ખોટો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ તેમની ટીમ કાનૂની પગલાં લેશે. તેમણે લોકોને કોઈપણ માહિતી શેર કરતાં પહેલાં તેની સત્યતા તપાસવાની અપીલ કરી.
સમરીને કહ્યું કે આવા ભ્રામક સમાચારોની અસર વાસ્તવિક લોકો, તેમની છબી અને તેમના પરિવારો પર પડે છે. દરેક વાતને ઑનલાઇન કન્ટેન્ટમાં બદલવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે સમરીનનું આ નિવેદન ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ સાથે તેની સગાઈની જાહેરાતના બરાબર બે દિવસ બાદ આવ્યું છે. બંનેએ 11 નવેમ્બર 2026ના રોજ ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરીને પોતાના સંબંધને સત્તાવાર બનાવ્યો હતો. તેમણે ન્યૂઝીલેન્ડમાં સમરીન કૌરને વીંટી પહેરાવી. સમરીને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેમાં અર્શદીપ તળાવ કિનારે બનેલા લાકડાના ડેક પર ઘૂંટણિયે બેસીને તેમને પ્રપોઝ કરતા દેખાયા.