સત્ય. સાહસ. સંકલ્પ.

સંબિત પાત્રાનો કોંગ્રેસને જવાબ: 'ભાજપને જ્ઞાનેશજી નહીં, ગણેશજીની મદદ'

સંબિત પાત્રાનો કોંગ્રેસને જવાબ: 'ભાજપને જ્ઞાનેશજી નહીં, ગણેશજીની મદદ'

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સંબિત પાત્રાએ દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ ફોર્મ-6 અંગે યોજાઈ હતી. તેમણે કહ્યું કે 'ઇન્ડિયા' ગઠબંધન ચૂંટણી પંચને નિશાન બનાવી દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, 'ભાજપને જ્ઞાનેશજી નહીં, ગણેશજી મદદ કરી રહ્યા છે.'

મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ 'ઇન્ડિયા' ગઠબંધન દ્વારા દિલ્હીમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યમથક સુધીના માર્ચના આયોજન પહેલા સંબિત પાત્રાએ આ નિવેદન આપ્યું હતું.

સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક સપ્તાહોથી ચૂંટણી પંચ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. અગાઉ સેના, સુપ્રીમ કોર્ટ, HAL અને EVM પર નિશાન સાધવામાં આવ્યું હતું અને હવે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ગણેશજી જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે, તેથી ભાજપને બુદ્ધિથી મદદ મળી રહી છે. જનતા પરિવારવાદ અને ભ્રષ્ટાચારને સમર્થન આપનારાઓને લોકોએ ઓળખી કાઢ્યા છે અને ચૂંટણીમાં નકારી કાઢ્યા છે.

રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતાં સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષોથી બંધારણીય સંસ્થાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. અનેક પ્રયાસો છતાં રાહુલ ગાંધીને લૉન્ચ કે રી-લૉન્ચ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે, જેના કારણે હવે ભારતના લોકતંત્ર પર જ હુમલા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંબિત પાત્રાએ રાહુલ ગાંધી સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા:

  • શું મૃતકોના નામ મતદાર યાદીમાંથી ન હટાવવા જોઈએ?
  • શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ વોટ ચોરીથી સાંસદ બન્યા છે?
  • શું કર્ણાટક, કેરળ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની સરકારો વોટ ચોરીથી બની છે?
  • શું ચૂંટણી જીતે ત્યારે ચૂંટણી પંચ સાચું અને હારે ત્યારે 'હાય-હાય' કરવાનો વિરોધ યોગ્ય છે?
  • અરાજકતા ફેલાવીને શું રાહુલ ગાંધીનું રી-લૉન્ચિંગ કરવાનો પ્રયાસ છે?