કોમેડિયન સમય રૈનાનો શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ફરી ચર્ચામાં છે. આ વખતે શોમાં રાહિલ નામનો એક કન્ટેસ્ટન્ટ આવ્યો, જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેટઅપમાં સ્ટેજ પર એન્ટ્રી કરી. તેમની નકલ કરીને તેણે પેનલને હસાવી મૂકી.
રાહિલ સ્ટેજ પર આવ્યો ત્યારે સમય રૈના અને તન્મય ભટ્ટ અવાક થઈ ગયા. પેનલમાં તેમની સાથે રેપર એમસી સ્ટેન પણ બેઠો હતો, જેણે ચહેરા પર માસ્ક લગાવ્યો હતો. વિવાદની બીકમાં સમય રૈનાએ એમસી સ્ટેન તરફ જોઈને પૂછ્યું કે, 'હજુ એક માસ્ક છે?'
રાહિલે પીએમના અંદાજમાં મિમિક્રી ચાલુ રાખી અને તેમના કેટલાક જાણીતા મોમેન્ટ્સ ફરી ભજવ્યા. સમય રૈના પણ ઊભા થઈને આર્ટિસ્ટને પ્રોત્સાહન આપતા રોકાયા નહીં.
વચ્ચે સમય રૈનાએ કોમેડિયન કુણાલ કામરાને વીડિયો કોલ કર્યો. પીએમના ગેટઅપમાં ઊભેલા રાહિલને જોઈને કુણાલ પણ એક ક્ષણ માટે અવાક થઈ ગયો. રાહિલે અર્થતંત્ર પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'રૂપિયો પડી ગયો.' ત્યારબાદ તેણે રમુજી અંદાજમાં વાત વાળી લીધી. તેણે શો બંધ થવાના મુદ્દે સમય રૈના પર પણ ટકોર કરી. નોંધનીય છે કે કુણાલ કામરા અગાઉ ભાજપ વિરુદ્ધ નિવેદનો આપીને ચર્ચામાં રહ્યો છે.
શોની સીઝન 2ના આઠમા એપિસોડમાં રાહિલે પોતાની મિમિક્રી અને હાજરજવાબી પરફોર્મન્સથી પેનલનું દિલ જીતી લીધું. એક્ટ પૂરો થતાં જ તમામ જજે તેને 10માંથી 10 માર્ક આપ્યા. રાહિલે એપિસોડ જીત્યો અને એક લાખ રૂપિયાનું ઇનામ પણ મેળવ્યું. એપિસોડનો વીડિયો વાયરલ થતાં યુઝર્સ રાહિલ વિશે વધુ જાણવા ઉત્સુક દેખાયા છે.
રાહિલ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો રહેવાસી છે. તે અલગ-અલગ સ્ટાર્સના અવાજની નકલ કરે છે. હાલમાં તે મિમિક્રી આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે. 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'થી તેને વધુ ખ્યાતિ મળી છે. તેના અંગત જીવન વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના 13 હજાર જેટલા ફોલોઅર્સ છે, જે શો પછી સતત વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શોની પહેલી સીઝનમાં મોટો વિવાદ થયો હતો. શોમાં મહિલાઓ, વડીલો અને દિવ્યાંગો વિશે અભદ્ર વાતચીત કરવામાં આવી હતી. પરિણામે શો બંધ કરવામાં આવ્યો હતો અને સમય રૈના તથા યુટ્યુબર રણબીર અલ્હાબાદિયા સહિત લોકો વિરુદ્ધ પોલીસ કેસ પણ થયા હતા.