સત્ય. સાહસ. સંકલ્પ.

AI બનાવનારા પોતે ચિંતામાં: યુએનમાં ઓલ્ટમેનની ચેતવણી, માનવ નિયંત્રણ ગુમાવવાનો ખતરો

AI બનાવનારા પોતે ચિંતામાં: યુએનમાં ઓલ્ટમેનની ચેતવણી, માનવ નિયંત્રણ ગુમાવવાનો ખતરો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ક્રાંતિ લાવનારી કંપની OpenAIના CEO સેમ ઓલ્ટમેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) સમક્ષ ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં માનવજાત AI પરનું પોતાનું નિયંત્રણ ગુમાવી શકે છે.

ઓલ્ટમેને જણાવ્યું કે AI અકલ્પનીય ઝડપે આગળ વધી રહ્યું છે. લોકો સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે. કોઈ કટોકટી સમયે માનવી તેમાં હસ્તક્ષેપ કરી શકે તે પણ મુશ્કેલ બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું, "અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. સુરક્ષાના નિયમો માત્ર AI કંપનીઓ નહીં, પરંતુ વિશ્વભરની સરકારો દ્વારા નક્કી થવા જોઈએ. OpenAIએ અગાઉ પણ AI ડેવલપમેન્ટની ગતિ ધીમી કરી હતી અને જરૂર પડ્યે ભવિષ્યમાં પણ કરશે."

આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ ટેક કંપનીઓના AI એજન્ટ્સના "બળવાખોર", "છળકપટી" અને "ષડયંત્રકારી" હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેનાથી ટેક જગતમાં ચિંતાનો માહોલ છે.

બીજી અગ્રણી AI કંપની એન્થ્રોપિકના અહેવાલમાં AIના 'બાયોલોજિકલ દુરુપયોગ' અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. એન્થ્રોપિકના CEO ડારિયો અમોદેઈએ પણ સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં સ્વીકાર્યું છે કે જો AIને યોગ્ય રીતે નિયંત્રિત ન કરવામાં આવે તો તે માનવજાત માટે વિનાશક સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયો-ટેરરિસ્ટ્સ ખતરનાક બાયોલોજિકલ હથિયારો બનાવી શકે છે. તેમણે AIના વિકાસની ગતિ તાત્કાલિક ધીમી કરવાની જરૂર જણાવી છે. સેમ ઓલ્ટમેન અને ઇલોન મસ્ક જેવા દિગ્ગજો પણ આ વિચાર સાથે સહમત છે.

ટેક સમીક્ષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે: AIને આટલું શક્તિશાળી અને જોખમી કોણે બનાવ્યું? OpenAI, Anthropic અને Google DeepMind જેવી કંપનીઓએ પોતે. જો AI નિયંત્રણ બહાર જઈ રહ્યું છે, તો તેનો શ્રેય પણ આ કંપનીઓની અંધાધૂંધ સ્પર્ધાને જાય છે. જ્યારે ગતિ ઘટાડવાનું 'બટન' આ ટેક લીડર્સના હાથમાં છે, ત્યારે જવાબદારી સરકારો પર ઢોળવાને બદલે કંપનીઓએ પોતે આગળ આવીને પોતાના બેકાબૂ મોડલ્સ અને એજન્ટ્સ પર કડક લગામ કસવી જોઈએ.