બોલિવૂડનો સૌથી ચર્ચિત ચેટ શો 'કોફી વિથ કરણ' તેની 9મી અને છેલ્લી સીઝન સાથે પરત ફર્યો છે. આ ફિનાલે સીઝનના પહેલા એપિસોડમાં સુપરસ્ટાર સલમાન ખાન મહેમાન બન્યો છે. શોનો પ્રોમો રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં કરણ જોહર અને સલમાન ખાન વચ્ચેની રમુજી અને નિખાલસ વાતચીત જોવા મળી રહી છે.
પ્રોમોમાં કરણ જોહર સલમાન ખાનને એક એવો પ્રશ્ન પૂછે છે જે વર્ષોથી તેની સાથે જોડાયેલો રહ્યો છે. કરણ પૂછે છે, 'શું તમે હજુ પણ વર્જિન છો?' આ સવાલ સાંભળીને સલમાન ખાન અભિનેતા રવિ કિશનના અંદાજમાં કહે છે, 'કંટ્રોલ, માય બ્રધર, કંટ્રોલ!' સલમાનનો આ ફની જવાબ સાંભળીને કરણ હસવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં 'કોફી વિથ કરણ'ની ચોથી સીઝનમાં જ્યારે સલમાન પહેલીવાર આવ્યો હતો, ત્યારે પણ કરણે આ જ સવાલ પૂછ્યો હતો. તે સમયે સલમાને કહ્યું હતું કે, 'હા, હું વર્જિન છું અને લગ્ન માટે મારી જાતને બચાવી રહ્યો છું.' બાદમાં કરણે સ્પષ્ટતા કરી હતી કે સલમાને તે વાત ગંભીરતાથી નહીં પરંતુ રમુજી અંદાજમાં કહી હતી.
પ્રોમો દરમિયાન સલમાન ખાને કરણ જોહરની મજાક ઉડાવતા કહ્યું કે, જો આ શો બંધ થઈ રહ્યો હોય તો તે 'કોફી વિથ સલમાન' શરૂ કરી શકે છે. સાથોસાથ સલમાને ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ની આઈકોનિક લાઈન બોલતા કરણને કહ્યું, 'તુસી ના જાઓ, કરણ.'
કરણ જોહરે તાજેતરમાં જ પોતાના 22 વર્ષ જૂના આ શોને અલવિદા કહેતા એક ભાવુક વિડિયો શેર કર્યો હતો. આ 9મી અને છેલ્લી સીઝન JioHotstar પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સીઝનમાં સલમાન ખાન ઉપરાંત વિજય દેવરાકોંડા, રશ્મિકા મંદાના, કાજોલ, કરીના કપૂર, જયા બચ્ચન, આમિર ખાન અને સૈફ અલી ખાન જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. 'કોફી વિથ કરણ'ના પહેલા એપિસોડના મહેમાન શાહરુખ ખાન અને કાજોલ હતા.
'કોફી વિથ કરણ'ના ઘણા એપિસોડ વિવાદોમાં રહ્યા છે. શોના રેપિડ-ફાયર રાઉન્ડ, કોફી હેમ્પર્સ અને સેલિબ્રિટીઝના નિવેદનોની સોશિયલ મીડિયા તથા મીડિયામાં ચર્ચા થતી રહી છે. ઘણી વાતચીત મીમ્સ અને ચર્ચાનો હિસ્સો પણ બની છે.
કેટલીક વાર શોમાં થયેલી વાતચીત એટલી ચર્ચિત બની કે તેની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહાર પણ જોવા મળી. કેટલાક કિસ્સાઓમાં મહેમાનોના નિવેદનો વિવાદમાં રહ્યા, તો એક કિસ્સામાં ભારતીય ક્રિકેટના બે મોટા ખેલાડીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી. ચાલો જાણીએ શો સાથે જોડાયેલા કેટલાક સૌથી ચર્ચિત વિવાદો વિશે…
જાન્યુઆરી 2019માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ 'કોફી વિથ કરણ'ની છઠ્ઠી સીઝનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલાઓને લઈને પંડ્યાની ટિપ્પણીઓ પર વિવાદ થયો હતો. બાદમાં પંડ્યાએ સોશિયલ મીડિયા પર માફી માગતા કહ્યું હતું કે, તે શોના માહોલમાં વહી ગયો હતો. આ પછી BCCIએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પરત બોલાવવામાં આવ્યા હતા. બાદમાં સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું હતું. એપ્રિલ 2019માં BCCI લોકપાલે બંને પર ₹20-20 લાખનો દંડ ફટકાર્યો હતો. આ એપિસોડ એટલો વિવાદાસ્પદ બન્યો કે તેને ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો. અહેવાલો અનુસાર, 11 જાન્યુઆરી 2019ના રોજ હોટસ્ટારે તે એપિસોડ પોતાની સાઇટ પરથી હટાવી દીધો હતો અને સ્ટાર વર્લ્ડ ઇન્ડિયાએ પણ તેની સાથે જોડાયેલું પ્રમોશનલ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધું હતું. પોડકાસ્ટ કન્ટેન્ટ સાથે જોડાયેલી ફરિયાદોને લઈને BCCCએ પણ ચેનલને નોટિસ ફટકારી હતી.
2017માં કંગના રનૌત શોની પાંચમી સીઝનમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે કરણ જોહરના મોઢા પર જ તેને 'મૂવી માફિયા' કહી દીધો હતો. શોના દરમિયાન કંગનાએ બેફિકર અંદાજમાં કરણ જોહરને નેપોટિઝમના ધ્વજવાહક (Flag Bearer of Nepotism) અને મૂવી માફિયા કહ્યો હતો, જેના કારણે આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. વર્ષ 2017માં કંગના પોતાની ફિલ્મ 'રંગૂન'ના પ્રમોશન માટે સૈફ અલી ખાન સાથે કરણના શોમાં પહોંચી હતી. તે સમયે કરણે હસતાં-હસતાં વાત ટાળી દીધી હતી, પરંતુ બાદમાં લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના એક કાર્યક્રમમાં તેણે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, 'કંગના ઘણીવાર વિક્ટિમ કાર્ડ અને વુમન કાર્ડ રમે છે.' તેણે એમ પણ કહ્યું હતું કે, 'જો