સત્ય. સાહસ. સંકલ્પ.

સલમાન ખાને પિતા સલીમ ખાન સાથે કાઉબોય હેટમાં ટ્વિનિંગ કરી, કહ્યું 'બાપ તો બાપ હોય'

સલમાન ખાને પિતા સલીમ ખાન સાથે કાઉબોય હેટમાં ટ્વિનિંગ કરી, કહ્યું 'બાપ તો બાપ હોય'

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને બુધવારે મોડી રાત્રે તેમના પિતા સલીમ ખાન સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને મેચિંગ કાઉબોય હેટ પહેરેલા જોવા મળે છે.

પોસ્ટ કરેલી તસવીરોની શ્રેણીમાં પહેલી ત્રણ તસવીરોમાં સલમાન ખુરશી પર બેઠેલા તેમના પિતાને પાછળથી ગળે લગાવતા જોવા મળે છે. આ ટ્વિનિંગ ક્ષણમાં સલમાન ખૂબ ખુશ દેખાય છે. છેલ્લી તસવીરમાં સલમાન તેમના પિતાની પાસે બેઠેલા અને તેમનો હાથ પકડેલો જોવા મળે છે.

તસવીરો શેર કરતાં સલમાને લખ્યું, “હાઉડી પાર્ટનર! હી-હૉ! 91 વર્ષની ઉંમરે એક... બાપ તો બાપ હોય છે. તેઓ અસલી મૉન્સ્ટર છે. આપણા બધાના પિતામાં દમ છે. વંદે માતરમ્.”

તેમણે વધુમાં લખ્યું, “એક દિવસ વધુ નથી મળતો, એક દિવસ ઓછો થઈ જાય છે. તમે લોકો સમજી રહ્યા છો? ભગવાન દયાળુ રહ્યા છે.”

સલમાન ખાન હજુ પણ પિતા પાસેથી કારકિર્દી અંગે સલાહ લે છે. 'વેરાયટી ઈન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, “આજે પણ જો હું કોઈ બાબતને લઈને મૂંઝવણમાં હોઉં, તો હંમેશાં તેમની પાસે જાઉં છું. તેઓ જે કહે છે, હું એ જ કરું છું.”

સલમાને ઉમેર્યું હતું, “સામાન્ય રીતે લોકો તમારી પાસે સલાહ લેવા આવે છે અને પછી જે તેમને કરવું હોય છે, એ જ કરે છે. મારા કિસ્સામાં એવું નથી.”

ઉલ્લેખનીય છે કે, સલીમ ખાનને 17 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બ્રેન હેમરેજ થયું હતું. ડૉક્ટરોએ તેમને આઈસીયુમાં દેખરેખ હેઠળ રાખ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે વેન્ટિલેટર સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. લગભગ એક મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.

21 માર્ચ 2026ના રોજ ઈદના અવસરે સલીમ ખાન હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ સલમાન અને પરિવારના અન્ય સભ્યો સાથે મુંબઈસ્થિત પોતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બાલ્કનીમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા હતા અને તેમણે ચાહકોનું અભિવાદન કર્યું હતું.

તાજેતરમાં 5 ઑક્ટોબરે સલીમ ખાન પોતાની પૌત્રી સિપારાના પ્રથમ જન્મદિવસના અવસરે પણ જોવા મળ્યા હતા. સિપારા અરબાઝ ખાન અને શૂરા ખાનની દીકરી છે. સલીમ ખાન તેમની પત્ની સલમા ખાન સાથે પહોંચ્યા હતા. તેમને દીકરા સોહેલ ખાને કાર સુધી ચાલવામાં મદદ કરી હતી.

સલીમ ખાન હિન્દી સિનેમાના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર્સમાં ગણાય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક્ટિંગથી કરી હતી. 1960ના દાયકામાં ફિલ્મ ‘બારાત’થી કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ફિલ્મોમાં તેમને મર્યાદિત અને નાની ભૂમિકાઓ જ મળી. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને અહેસાસ થયો કે, એક્ટિંગ તેમની વાસ્તવિક તાકાત નથી. ત્યારબાદ તેઓ લેખન તરફ વળ્યા અને સ્ક્રિપ્ટ રાઇટર બની ગયા. એક્ટિંગના શરૂઆતના દિવસોમાં સલીમ ખાન ‘પ્રિન્સ સલીમ’ નામનો ઉપયોગ કરતા હતા.

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ‘સલીમ-જાવેદ’ના નામથી જાણીતી રહી છે. બંનેએ મળીને હિન્દી સિનેમાને 'ઝંજીર', 'દીવાર', 'શોલે', 'ડોન' અને 'સીતા ઔર ગીતા' જેવી અનેક સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી. આ ફિલ્મોની દમદાર કહાણીઓ અને સંવાદો લોકોના દિલોમાં વસી ગયા. તેમણે લખેલી સ્ક્રિપ્ટે ફિલ્મોનો અંદાજ બદલી નાખ્યો. તેમણે મજબૂત પાત્રો, સંવાદો અને સામાજિક મુદ્દાઓને વાર્તાનો હિસ્સો બનાવ્યા. સલીમ-જાવેદની સફળતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેખકોને નવી ઓળખ અને સન્માન મળ્યું અને તેમને પણ સ્ટાર્સની જેમ મહત્વ મળવા લાગ્યું.