સત્ય. સાહસ. સંકલ્પ.

સલમાન ખાને પાયલટ સ્મિત મચ્છરને સલામ ઠોકી, પરેશ રાવલે 'ક્રાંતિવીર'નો ડાયલોગ યાદ કર્યો

સલમાન ખાને પાયલટ સ્મિત મચ્છરને સલામ ઠોકી, પરેશ રાવલે 'ક્રાંતિવીર'નો ડાયલોગ યાદ કર્યો

દુબઈથી તેલ અવિવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર કો-પાયલટે હુમલો કર્યો હતો. ફ્લાઇટ ક્રેશ થવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ગંભીર રીતે ઘાયલ હાલતમાં પણ કેપ્ટને સમજદારી અને હિંમતથી સૌના જીવ બચાવ્યા. હવે શુક્રવારે મોડી રાત્રે અભિનેતા સલમાન ખાને કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી છે.

સલમાન ખાને પોતાના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરથી લખ્યું, 'કમાલ કરી દીધા પાયલટજી, અમે સૌ તમને સલામ કરીએ છીએ. તમારી સાથે ઉડાન ભરવામાં ગર્વ અનુભવાશે. વેલ ડન ભાઈ કેપ્ટન સ્મિત મચ્છર.'

જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અતુલનીય છે. તેઓ નિઃશંક મહાવીર ચક્ર જેવા મોટા સન્માનના હકદાર છે. જાવેદ અખ્તર ઉપરાંત શમિતા શેટ્ટી અને રિદ્ધિમા કપૂર સાહનીએ પણ કેપ્ટન સ્મિતના જુસ્સાની પ્રશંસા કરી છે.

અભિનેતા પરેશ રાવલે કેપ્ટનના અટક 'મચ્છર' પર હળવી ટિપ્પણી કરતાં 1994માં આવેલી પોતાની જાણીતી ફિલ્મ 'ક્રાંતિવીર'નો ઉલ્લેખ કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમને નાના પાટેકરનો તે જાણીતો સંવાદ યાદ આવી રહ્યો છે—'એક મચ્છર આદમી કો...!' બીજી તરફ અભિનેત્રી રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ શેર કરીને કેપ્ટન સ્મિતને સાચા હીરો ગણાવ્યા.

અભિનેતા અને સાંસદ રવિ કિશને લખ્યું કે કેપ્ટન સ્મિત મચ્છર કર્તવ્ય પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને અદમ્ય સાહસનું ઉદાહરણ છે. પોતે ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ અન્ય લોકોની રક્ષા કરવી દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

દક્ષિણના સ્ટાર વિજય દેવરકોંડા અને બોલિવૂડ અભિનેતા આર. માધવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને શેર કર્યું. માધવને લખ્યું કે તેઓ દેશના આ સાચા હીરોના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. વિજય દેવરકોંડાએ લખ્યું કે કેપ્ટને જે કર્યું તે અવિશ્વસનીય છે.

ફ્લાયદુબઈનું બોઇંગ 737 મેક્સ 8 વિમાન 174 મુસાફરોને લઈને દુબઈથી તેલ અવિવ જઈ રહ્યું હતું. જ્યારે પ્લેન સાઉદી અરેબિયા ઉપરથી ઉડી રહ્યું હતું, ત્યારે કોકપિટમાં ઓમાની કો-પાયલટે કેપ્ટન સ્મિત પર ચાકુથી હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલી દીધો, જેથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અંદર આવીને હુમલાખોરને પકડી શક્યા. ત્યારબાદ પ્લેનને તબૂકમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કૉલ પર વાત કરી અને તેમની હાલચાલ પૂછી. પીએમએ X પર લખ્યું કે કેપ્ટન સ્મિત એક હીરો છે. ગંભીર ખતરા અને ઈજા છતાં તેમણે અદમ્ય સાહસ બતાવ્યું. તેમની બહાદુરીથી સેંકડો જિંદગીઓ બચી અને એક મોટી દુર્ઘટના ટળી. સમગ્ર ભારતને કેપ્ટન સ્મિત પર ગર્વ છે.

ફ્લાયદુબઈ પહેલાં સ્મિતે 11 વર્ષથી વધુ સમય સ્પાઇસજેટમાં કામ કર્યું હતું. અહીં તેમણે 9,500 કલાકથી વધુ ઉડાન ભરી હતી, જેમાં 6,400 કલાકથી વધુ સમય વિમાનના મુખ્ય પાયલટ એટલે કે પાયલટ-ઇન-કમાન્ડ તરીકે હતો. જૂન 2022માં તેઓ ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમને કોમર્શિયલ વિમાન ઉડાડવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે અને બોઇંગ 737 વિમાનો પર આશરે 9,750 કલાક ઉડાન ભરી છે.