મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન મંગળવારે મોડી રાત્રે મુંબઈના એક રેકોર્ડિંગ સ્ટુડિયો પાસે જોવા મળ્યો હતો. ટીવી શો 'બિગ બોસ'માં પાપારાઝીની ટીકા કર્યાના થોડા દિવસો બાદ તે પહેલીવાર સ્ટુડિયો બહાર અટક્યો અને ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા હતા.
સલમાન કાઉબોય લુકમાં જોવા મળ્યો હતો. તેણે જીન્સ, કાળો શર્ટ અને માથા પર હેટ પહેરી હતી. સ્ટુડિયો પહોંચતી વખતે તેની સાથે સુરક્ષા ટીમ પણ હાજર હતી.
અંદર જતા પહેલાં સલમાન અટક્યો અને પાપારાઝીને ફોટા લેવા દીધા. તે પાપારાઝી પોતાની નજીક આવે તેની રાહ જોતો પણ જોવા મળ્યો. આ દરમિયાન પાપારાઝીએ સલમાનને કહ્યું, 'સલમાન ભાઈ, તમે સારા લાગી રહ્યા છો.' અંતે પાપારાઝીએ સલમાનનો આભાર માન્યો.
જોકે, આ પહેલાં સોમવારે સલમાન બાંદ્રા ગયો હતો અને ત્યાં રોકાયા વિના સીધો કારમાં બેસી ગયો હતો. તેણે પાપારાઝી તરફ એક નજર કરી અને તરત જ નજર ફેરવીને આગળ વધી ગયો હતો. તે વખતે તેણે કાળા ટી-શર્ટ સાથે લેધર કેપ પહેરી હતી.
સલમાને 'બિગ બોસ 20'ના 'વીકએન્ડ કા વાર' એપિસોડમાં કેટરીના કૈફના વજન, ભાઈ સોહેલના ચહેરા અને સની દેઓલના ફાટેલા જૂતાંને લઈને ટ્રોલ કરનારાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી. એક્ટ્રેસિસના ખોટા એંગલથી શોટ લેવા અને પોસ્ટ કરવા અંગે તેમણે કહ્યું હતું, 'આજકાલ એક નવો ટ્રેન્ડ છે. ગાડીમાંથી બહાર નીકળતી વખતે કેમેરો અહીં (કમર પર) હોય છે અને ગાડીમાં બેસતી વખતે પણ કેમેરો અહીં જ હોય છે, જેથી હિપ શોટ મળી શકે, પગનો શોટ મળી શકે. ત્યારબાદ પાછળથી પણ એક શોટ લેવામાં આવે છે, જે કોઈપણ એક્ટ્રેસ કે છોકરીને પસંદ નથી હોતો.'
તેમણે કહ્યું કે, 'કેટલીક મહિલાઓ આવી તસવીરોને લઈને સહજ હોઈ શકે છે, પરંતુ પ્રશ્ન એ મહિલાઓનો છે જેમને આ પસંદ નથી.' સલમાને આ દરમિયાન એક્ટ્રેસ સઈ માંજરેકર, નેહા ધૂપિયા અને પોતાની ભાણેજનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, 'પાછળથી મહિલાઓની તસવીરો લીધા બાદ તેના પર “ઓળખો આ કોણ છે” જેવા કૅપ્શન શા માટે મૂકવામાં આવે છે.'
સલમાને કહ્યું કે, 'જે મહિલાઓ આવી તસવીરોથી અસહજ અનુભવતી હોય, તેમણે તેનો વિરોધ કરવો જોઈએ.' તેમણે તીખા અંદાજમાં કહ્યું, 'જ્યાં આવું થાય ને, ત્યાં ફરીને થપ્પડ મારો. કહેવું કે તમારી મા-બહેનોનો આવો શોટ લઈ લો અને અમને બતાવો. સોશિયલ મીડિયા પર મૂકો. જાંઘોના શોટ લઈ લો.'
તેમણે પૂછ્યું કે, 'આવા લોકોને પ્રેસનું કાર્ડ કોણે આપ્યું અને આવી વિચારસરણી શા માટે છે?' ગુસ્સામાં સલમાને મંચ પર જ પોતાનો શર્ટ ઉતારીને પેટ બતાવ્યું અને કહ્યું કે, હવે જે ઈચ્છે તે તેને ટ્રોલ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, થોડા સમય પહેલાં તેમને ટાલિયા કહેતાં ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે હકીકતમાં તે તેમની આવનારી ફિલ્મનો લુક હતો. થોડા સમય પહેલાં તેમણે પોતાના એક મિત્રને પણ ગુમાવ્યો હતો.
બીજી તરફ, ઐશ્વર્યા રાય બચ્ચન મંગળવારની રાત્રે પેરિસ ફેશન વીકથી પરત ફરીને ભારત પહોંચી હતી. એરપોર્ટ પર તેણે રાહ જોઈ રહેલા પાપારાઝી સાથે વાત પણ કરી.
ઐશ્વર્યાએ પાપારાઝીને સાથે ફોટો પડાવવા માટે બોલાવ્યા. તેણે એક ચાહકને ઑટોગ્રાફ પણ આપ્યો અને ત્યારબાદ બધાની સાથે ગ્રુપ ફોટો પડાવ્યો. ઐશ્વર્યાએ પાપારાઝીને કહ્યું, 'આવો, બધા લોકો એક ફોટો લઈએ. ચાલો, આ બધું બંધ કરીએ અને ગ્રુપમાં આવો.' આ દરમિયાન ઐશ્વર્યા સ્મિત કરતાં અને સૌની તરફ હાથ હલાવતાં એરપોર્ટથી બહાર નીકળી.
ભારત પરત ફરતી વખતે ઐશ્વર્યાએ સિમ્પલ અને મોટો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. તેની સાથે તેમણે ઓવરફ્લેર જીન્સ અને ટોપ પહેર્યું હતું. તેણે માથા પર સનગ્લાસિસ લગાવ્યાં હતાં.
ઐશ્વર્યા પેરિસ ફેશન વીકમાં ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામો સાથે સામેલ થઈ હતી. તેમાં તેની નજીકની મિત્ર ઈવા લોન્ગોરિયા પણ હતી. કાર્યક્રમમાં કેન્ડલ જેનર, જેન ફોન્ડા, સેલિન ડિયોન, હેઇડી ક્લુમ અને વિયોલા ડેવિસ પણ સામેલ થયાં હતાં. કારા ડેલેવિંગ્ને, એન્ડી મેકડૉવેલ, મીકા અબ્દાલા અને સિમોન એશ્લી પણ ત્યાં હાજર હતાં. આ ઉપરાંત અન્ય ઘણા સિતારાઓ પણ ફેશન વીકમાં પહોંચ્યા હતા.
ફેશન ઇવેન્ટ માટે ઐશ્વર્યાએ 3D ફ્રિન્જ એમ્બ્રોઇડરીવાળો બ્લેક વેલ્વેટ ગાઉન પહેર્યો હતો. તેની સાથે તેણે ક્રિસ્ટલથી સજાવેલો લાંબો વેલ્વેટ કેપ પહેર્યો હતો. તેણે ડાયમંડ ટિયારા અને અનેક ડાયમંડ રિંગ્સથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. રેમ્પ વોક માટે તેણે પમ્પ્સ પહેર્યા હતા.