સત્ય. સાહસ. સંકલ્પ.

સલમાન ખાન પહેલીવાર સેનાના જવાનના રોલમાં, 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ

સલમાન ખાન પહેલીવાર સેનાના જવાનના રોલમાં, 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન ખાન પોતાની કારકિર્દીમાં પહેલીવાર ભારતીય સેનાના જવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. 2020માં ભારત-ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ પર આ ફિલ્મ આધારિત છે. ટ્રેલરમાં એક્શન, રોમાંચ અને દેશભક્તિનો સંગમ જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત એક ભાવુક વાક્યથી થાય છે: "કોઈ પણ આ યુદ્ધથી એટલી નફરત નથી કરતું જેટલી એક જવાન કરે છે, કારણ કે જંગ ત્યારે જ ખતમ થાય છે જ્યારે તે જવાન શહીદ થાય છે." ત્યારબાદ સલમાન ખાન સીટી વગાડતા અને 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' ગાતા દેખાય છે. ભારત-ચીન સરહદની તંગદિલી અને '16 બિહાર રેજિમેન્ટ'ની બહાદુરી દર્શાવતા દ્રશ્યોમાં સલમાનનો ડાયલોગ "એક બિહારી, 100 પર ભારી" વાયરલ થઈ રહ્યો છે. સરહદ પર પથ્થરો અને લાકડીઓ સાથે થતી હાથોહાથની લડાઈના દ્રશ્યો પણ ટ્રેલરમાં છે.

ફિલ્મમાં સલમાન ખાન માત્ર એક કડક દેશભક્ત સૈનિક જ નહીં, પરંતુ પ્રેમાળ પતિ અને પિતાની ભૂમિકામાં પણ છે. તેની પત્નીના રોલમાં ચિત્રાંગદા સિંહ જોવા મળે છે. ટ્રેલર દર્શાવે છે કે જ્યારે જવાન સરહદ પર દેશ માટે લડવા જાય છે ત્યારે પાછળ તેના પરિવાર પર શું વીતે છે. સરહદની બંને બાજુના સૈનિકો અને તેમના પરિવારોની માનસિક વેદનાને દર્શાવીને યુદ્ધના માનવીય પાસાને વાચા આપવામાં આવી છે.

ટ્રેલર રિલીઝ વખતે સલમાન ખાને મીડિયામાં ચાલતી અફવાઓ પર સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ કોઈ ચોક્કસ દેશ વિરુદ્ધ નફરત ફેલાવવા કે રાજકીય એજન્ડા માટે નથી બનાવવામાં આવી. તેમણે કહ્યું કે ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે "માનવતા અને દેશભક્તિ દુશ્મનને ખતમ કરવામાં નથી, પરંતુ દુશ્મનીને ખતમ કરવામાં છે." સેન્સર બોર્ડે ફિલ્મને એક પણ કટ મૂક્યા વગર પાસ કરી દીધી છે.

અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત અને સલમાન ખાન ફિલ્મ્સ (SKF) ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. પરંતુ સલમાન ખાનના જણાવ્યા મુજબ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ને વધુ સારી બનાવવા માટે રિલીઝ પાછી ઠેલવામાં આવી હતી. હવે આ વોર-ડ્રામા ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.