બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની યુદ્ધ આધારિત ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' આગામી 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મુંબઈમાં યોજાયેલા ટ્રેલર લોન્ચિંગ કાર્યક્રમમાં સલમાન ખાને 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ વયજૂથના લોકો ફિલ્મ માત્ર 11 રૂપિયામાં જોઈ શકશે. આ ઓફર ફક્ત સિનિયર સિટિઝન માટે જ છે, જેથી વૃદ્ધો પણ દેશભક્તિ પર આધારિત આ ફિલ્મ સરળતાથી જોઈ શકે.
ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાના દાવાઓ પર સલમાને સ્પષ્ટતા કરી હતી કે સરકાર તરફથી કોઈ દબાણ નહોતું. આવી વાતો પાયાવિહોણી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ આર્મી ઓફિસરો અને તેમના પરિવારોના ત્યાગ અને સંઘર્ષની કથા છે, જેમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જવાનો દેશને સર્વોપરી કેવી રીતે રાખે છે તે દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મની રિલીઝમાં વિલંબ અંગે સલમાને જણાવ્યું કે VFXનું કામ ચાલી રહ્યું હોવાથી સમય લાગ્યો. હવે ફિલ્મ 4 ડિસેમ્બરે રિલીઝ થશે. ટ્રેલર પણ થોડા દિવસોમાં સોશિયલ મીડિયા પર મુકાશે, કારણ કે નિર્માતાઓ બાકી રહેલા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.
અપૂર્વ લખિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. 4 ડિસેમ્બરે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા' સાથે ટકરાશે. બંને ફિલ્મોને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.