સત્ય. સાહસ. સંકલ્પ.

સલમાન ખાનની 'માતૃભૂમિ' ટ્રેલર પર AI અને VFXને લઈને સવાલો, લંબાઈ પણ ચર્ચામાં

સલમાન ખાનની 'માતૃભૂમિ' ટ્રેલર પર AI અને VFXને લઈને સવાલો, લંબાઈ પણ ચર્ચામાં

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ટ્રેલર મંગળવારે રાત્રે રિલીઝ થયું છે. 4 મિનિટ 35 સેકન્ડ લાંબા આ ટ્રેલરમાં દેશભક્તિ, ભાવના, રૉમાન્સ અને યુદ્ધનું મિશ્રણ જોવા મળે છે.

ફિલ્મમાં સલમાન ખાન ભારતીય સેનાના કર્નલની ભૂમિકા ભજવે છે, જે યુદ્ધને બદલે શાંતિનો રસ્તો પસંદ કરવા માંગે છે. ટ્રેલરને ઘણા લોકોએ પસંદ કર્યું છે, પરંતુ કેટલાકે AI વિઝ્યુઅલ્સ અને VFXની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે.

ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચા શરૂ થઈ ગઈ. સલમાન ખાનના કેટલાક ચાહકોએ ટ્રેલરની પ્રશંસા કરી, જ્યારે અન્ય યૂઝર્સે તેની લંબાઈ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર પ્રશ્નો ઉઠાવ્યા. કેટલાકનું માનવું છે કે 4 મિનિટ 35 સેકન્ડનું ટ્રેલર ઘણું લાંબુ છે અને તેમાં ફિલ્મની વાર્તાના મહત્વપૂર્ણ દ્રશ્યો પહેલેથી જ બતાવી દેવામાં આવ્યા છે.

બીજી તરફ, કેટલાક યૂઝર્સે ટ્રેલરમાં AI દ્વારા તૈયાર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સના ઉપયોગનો આરોપ લગાવ્યો અને VFXની ગુણવત્તા અંગે નારાજગી વ્યક્ત કરી. એક યૂઝરે મજાકમાં લખ્યું, ‘ટ્રેલર ઠીક છે, પરંતુ સંવાદો અને AI જનરેટેડ દ્રશ્યોએ મજા ઓછી કરી દીધી.’ અન્ય એકે કટાક્ષ કર્યો કે ટ્રેલર જોઈને લાગે છે કે આખી ફિલ્મ જ ભૂલથી રિલીઝ થઈ ગઈ છે.

જોકે, કેટલાક દર્શકોને ફિલ્મનો વિચાર અને સલમાન ખાનનું પાત્ર ગમ્યું છે. એક યૂઝરે લખ્યું, ‘માતૃભૂમિ ટ્રેલર તીવ્ર, ભાવનાત્મક અને દેશભક્તિથી ભરપૂર લાગે છે. આ ફિલ્મ આશાસ્પદ છે.’ બીજાએ કહ્યું, ‘અમારી ભારતીય સેના શ્રેષ્ઠ છે અને અમને તેના પર ગર્વ છે. સલમાન ખાને ભૂમિકા શાનદાર ભજવી છે.’ ટ્રેલરમાં ‘સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા’ના સૂર સાથે સલમાનની એન્ટ્રીને પણ લોકોે ખૂબ પસંદ કરી છે.

આમ, ફિલ્મને લઈને દર્શકોના અભિપ્રાય હાલ વહેંચાયેલા જોવા મળી રહ્યા છે.