સલમાન ખાનની લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ’ હવે 20 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન સંઘર્ષ પર આધારિત છે. પહેલા તેનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ હતું, પછી બદલીને ‘માતૃભૂમિ’ કરવામાં આવ્યું.
વેરાયટી ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ફિલ્મની રિલીઝ ડેટ 20 નવેમ્બર નક્કી કરવામાં આવી છે, જોકે અધિકૃત જાહેરાત હજુ બાકી છે. ફિલ્મને સેન્સર સર્ટિફિકેટની રાહ છે. ફિલ્મના કન્ટેન્ટ, ચીન સંબંધિત સંદર્ભો અને ભૂ-રાજકીય કારણોસર તેની રિલીઝમાં અવરોધો આવ્યા હતા. ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા હોવાના સંદર્ભમાં ફિલ્મમાં ચીનને નકારાત્મક રીતે દર્શાવવા અંગે સરકારની ચિંતા હોવાના અહેવાલ છે.
આ જ દિવસે સની દેઓલની ફિલ્મ ‘સૂર્યા’ પણ રિલીઝ થવાની છે. આથી 20 નવેમ્બરે બોક્સ ઓફિસ પર સલમાન ખાન વિરુદ્ધ સની દેઓલની સીધી ટક્કર જોવા મળશે. ‘માતૃભૂમિ’ને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે અને અપૂર્વ લાખિયાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન ખાન, ચિત્રાંગદા સિંહ, જેન શો, અંકુર ભાટિયા સહિત અન્ય કલાકારો છે. ફિલ્મના ગીતો પહેલેથી રિલીઝ થઈ ચૂક્યા છે અને ટ્રેલર 6 નવેમ્બરે રિલીઝ થઈ શકે છે.