બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ગુરુવારે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના નેતા આશિષ શેલારના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. ગણપતિ ઉત્સવમાં સામેલ થયા બાદ તેઓ બહાર નીકળવા લાગ્યા ત્યારે ચાહકો અને ફોટોગ્રાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ દરમિયાન ભીડમાં ઊભેલા એક બાળકને બોડીગાર્ડે ભૂલથી ધક્કો મારી દીધો. સલમાને બાળકને જોયું અને તેની પાસે જઈને પ્રેમથી હાથ મિલાવ્યો. ભારે ભીડ વચ્ચે સલમાન લોકોને રસ્તો ખાલી કરવાનો ઇશારો કરતા પણ જોવા મળ્યા, જેથી તેઓ ત્યાંથી નીકળી શકે.
સલમાન ખાન કાળા ટી-શર્ટ અને પેન્ટમાં આશિષ શેલારના ઘરે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ચાહકો અને મીડિયા કર્મચારીઓ તેમની આસપાસ ભેગા થઈ ગયા હતા. સુરક્ષા ટીમે તેમને બહાર કાઢવા માટે રસ્તો બનાવવો પડ્યો હતો. સલમાન ખાન માથા પર કાળી ટોપી અને ગળામાં શાલ પહેરેલા જોવા મળ્યા હતા.
કારમાં બેસતા પહેલાં સલમાને ભીડમાં હાજર અનેક બાળકોને જોયા. સુરક્ષાકર્મીઓ ભીડને નિયંત્રિત કરીને લોકોને અભિનેતાથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સલમાને સુરક્ષાકર્મીઓને ભીડ સંભાળતી વખતે સાવચેતી રાખવા કહ્યું. સલમાને બાળકો સાથે થોડો સમય વાતચીત પણ કરી હતી.
સલમાન ખાન મુંબઈમાં ગણેશ ચતુર્થી સમારોહમાં સતત સામેલ થઈ રહ્યા છે. તેઓ પોતાના પરિવાર સાથે ગણપતિ ઉત્સવ અને પરંપરાગત આરતીમાં પણ સામેલ થયા હતા. અભિનેતા બાંદ્રામાં પોતાના ભાઈ સોહેલ ખાનના ઘરે પણ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે પરિવાર સાથે ગણપતિ વિસર્જનમાં ભાગ લીધો હતો.
સલમાન ખાન મંગળવારે ખાન પરિવારના ગણપતિ વિસર્જનમાં સામેલ થયા હતા. તેમણે પરિવાર સાથે બાપ્પાની આરતી કરી હતી. આ વખતે ખાન પરિવારે સોહેલ ખાનના ઘરે ગણેશ ચતુર્થીનું આયોજન કર્યું હતું. વિસર્જન દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં સલમાન ગણપતિ બાપ્પાની આરતી ખોટી દિશામાં કરતા જોવા મળ્યા હતા. થોડા સમય બાદ બહેન અર્પિતાએ તેમને ટોકીને સાચી રીત જણાવી, જેના તરત બાદ સલમાને પોતાની ભૂલ સુધારી લીધી.
સલમાન ખાનના પરિવારના ગણપતિ વિસર્જનમાં તેમની ચર્ચિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ પહોંચી હતી. સલમાનના તરત બાદ યૂલિયાએ આરતી કરી. અર્પિતા ખાન તેમને પણ આરતી શીખવતી જોવા મળી.
સોહેલ ખાનના બિલ્ડિંગ પરિસરમાં યોજાયેલા ગણેશ વિસર્જનમાં સમગ્ર ખાન પરિવાર સામેલ રહ્યો હતો. સોહેલ ખાન અને અર્પિતા શર્માએ બાળકો સાથે આરતી કરી. જ્યારે હેલન અને અન્ય મહેમાનોએ પણ બાપ્પાનાં દર્શન કર્યા. વિસર્જન સોહેલની બિલ્ડિંગ પરિસરમાં થયું, જ્યાં તેના માટે પાણીની મોટી ટાંકી રાખવામાં આવી હતી.
ગણેશ ચતુર્થી નિમિત્તે સલમાન ખાને પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. તે સોહેલ ખાન અને અંબાણી પરિવારના ઘરે ગણેશ સ્થાપના બાદ બૅન્ડાના લુકમાં પહોંચ્યો. વિસર્જનમાં આવો જ કંઈક મળતો-જુલતો લુક જોવા મળ્યો. તેમણે ટી-શર્ટ, હાફ લેધર જેકેટ સાથે વિન્ટર કેપ પહેરી હતી.
સોહેલ ખાનના ઘરે વિસર્જનમાં પહોંચેલા સલમાનનું ધ્યાન સ્ટાફના ખોળામાં સૂઈ રહેલી એક બાળકી તરફ ગયું. સલમાન તેની પાસે ગયા અને બાળકીને વહાલ કર્યું. સલમાન ખાન અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનનો ભાગ પણ બન્યા છે. આ દરમિયાન તેમણે બાપ્પાના આશીર્વાદ લીધા અને ભગવાનને ફૂલો અર્પણ કર્યા.
સલમાન ખાને નવા લુક સાથે એન્ટિલિયામાં પ્રવેશ કર્યો અને તસવીરો પડાવી. થોડા સમય બાદ તેઓ ગણપતિની મૂર્તિ સામે જઈને આશીર્વાદ લીધા. પંડિતજીએ તેમને તિલક લગાવ્યું અને ખેસ પહેરાવ્યો. ત્યારબાદ સલમાને ગણપતિ બાપ્પાને પુષ્પો અર્પણ કર્યા.