બોલિવૂડ અભિનેતા સલમાન ખાન દુબઈમાં યોજાયેલી 'બ્યુટીવર્લ્ડ મિડલ ઈસ્ટ' ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયો હતો. આ ઇવેન્ટમાં તેમણે રસાસી પરફ્યુમ્સની નવી બ્રાન્ડ 'કેન્ઝ ડી રસાસી'નું અનાવરણ કર્યું હતું.
દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આયોજિત આ પ્રદર્શનની 30મી આવૃત્તિમાં સલમાન ખાને બપોરે 2:00 વાગ્યે પહોંચવાનું હતું, પરંતુ તે લગભગ 4:00 વાગ્યે ઝાબીલ હોલ 6માં પહોંચ્યો. તે બ્લેક સૂટમાં તેની સુરક્ષા ટીમ અને બોડીગાર્ડ્સ સાથે આવ્યો હતો. તેણે ફક્ત પરફ્યુમ બ્રાન્ડનું અનાવરણ કર્યું અને કોઈ ભાષણ આપ્યા વિના કે ચાહકો સાથે વાત કર્યા વિના તરત જ ત્યાંથી રવાના થઈ ગયો.
આ ઇવેન્ટને કારણે એક્ઝિબિશન હોલનો નજારો ફેન મીટ જેવો બની ગયો હતો. ઝાબીલ હોલમાં બપોરથી જ ઘણા લોકો એકત્ર થઈ ગયા હતા. હાથમાં મોબાઇલ લઈને સેંકડો ચાહકો સલમાનની રાહ જોઈ રહ્યા હતા. યુએઈમાં સલમાન ખાનની ભારે ફેન ફોલોઇંગ છે, જેના કારણે ત્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. સલમાનને મળવા માટે ઘણા પાકિસ્તાની ચાહકો પણ પહોંચ્યા હતા.
ઇવેન્ટમાં પહોંચેલી પાકિસ્તાનની મહા નૂરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે સલમાન ખાનની ખૂબ મોટી પ્રશંસક છે. મહા નૂરે કહ્યું, 'એક્ટર મોડા આવવાને કારણે હું તેમની એક ઝલક જોવાથી ચૂકી ગઈ. આ છતાં સલમાન પ્રત્યે મારો લગાવ ઓછો થયો નથી.'
તેણે વધુમાં જણાવ્યું, 'હું બાળપણથી જ સલમાનની ફેન રહી છું. સલમાન ખૂબ હેન્ડસમ, રમૂજી અને કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. તે અમારા ભાઈ છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે.'
ઇવેન્ટમાં ટૂંકી હાજરી આપ્યા બાદ સલમાને પોતાનો ફોર્મલ સૂટ બદલીને કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરી લીધી હતી. ત્યારબાદ તે પોતાની ટીમ સાથે ટ્રેડ સેન્ટર અને આસપાસના વિસ્તારમાં એક મૉલમાં ફરતો જોવા મળ્યો હતો.
સલમાન ખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ત્રણ દિવસના ટ્રેડ શો (6થી 8 ઑક્ટોબર)માં ભાગ લેવા માટે ખાસ સમય કાઢીને દુબઈ પહોંચ્યો હતો.