સત્ય. સાહસ. સંકલ્પ.

ટાઇગર પર ગોળીબાર બાદ અનૂપ જલોટાની સલાહ: સલમાન ખાન બિશ્નોઈ સમાજની માફી માંગે

ટાઇગર પર ગોળીબાર બાદ અનૂપ જલોટાની સલાહ: સલમાન ખાન બિશ્નોઈ સમાજની માફી માંગે

મુંબઈના જુહૂ વિસ્તારમાં રવિવારે સાંજે ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઇગર બચી ગયો, પરંતુ તેના ડ્રાઈવર અને એક ચાહકને ગોળી વાગી હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત જોખમની બહાર હોવાનું જણાવાયું છે.

ફાયરિંગની જવાબદારી લૉરેન્સ ગેંગ સાથે જોડાયેલા લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ અને ઑડિયો મેસેજ દ્વારા સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો. આ મેસેજમાં સલમાન ખાનને બિશ્નોઈ સમાજની માફી માંગવાની માગ કરવામાં આવી હતી. સાથે જ, અભિનેતા સાથે જોડાયેલા લોકોને ધમકી આપવાની વાત પણ સામે આવી હતી.

આ ઘટના પર ભજન ગાયક અનૂપ જલોટાએ દુઃખ વ્યક્ત કર્યું છે. IANS સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ બધું રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે સલમાન ખાન બિશ્નોઈ સમાજની માફી માગી લે. તેમણે ઉમેર્યું, “મેં અગાઉ પણ કહ્યું હતું કે બિશ્નોઈ સમાજને જે ઠેસ પહોંચી છે, તે ત્યારે જ દૂર થશે જ્યારે સલમાન ખાન માફી માગશે. નહીં તો આ પ્રકારની તકલીફો લોકોને થતી રહેશે. જે લોકો સલમાન ખાન સાથે કામ કરશે, તેમને પણ તકલીફો આવશે. તેમના પરિવારને પણ તકલીફો પડશે. તો પછી એક વખત મક્કમ મન કરીને સલમાન ખાને બિશ્નોઈ સમાજની માફી કેમ ન માંગી લેવી જોઈએ?”

અનૂપ જલોટાને મુખ્યત્વે તેમના ભજન અને ગઝલ ગાયકી માટે ઓળખવામાં આવે છે. તેમને 'ભજન સમ્રાટ'નું બિરુદ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને ગેંગસ્ટર લૉરેન્સ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ 1998નો કાળિયારના શિકારનો મામલો છે. લગભગ 28 વર્ષ જૂના આ મામલાને લઈને બિશ્નોઈ સમાજમાં નારાજગી રહી છે. આ જ વિવાદને કારણે સલમાન ખાનને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે.

1998માં સલમાન ખાન રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈં’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર કાળા હરણોના શિકારનો આરોપ લાગ્યો હતો. બિશ્નોઈ સમાજ કાળા હરણને પવિત્ર માને છે અને વન્યજીવોની રક્ષાને પોતાની ધાર્મિક આસ્થાનો એક ભાગ માને છે.

ગેંગસ્ટર લૉરેન્સે માર્ચ 2023માં જેલમાંથી આપેલા એક ટીવી ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે સલમાન ખાનને મારી નાખવું તેની જિંદગીનો મુખ્ય હેતુ છે.

લૉરેન્સના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈ સહિત બિશ્નોઈ સમાજ સાથે જોડાયેલા અનેક લોકોનું કહેવું છે કે જો સલમાન ખાન સમાજના ધાર્મિક સ્થળ મુકામમાં જઈને માફી માગી લે, તો વિવાદ સમાપ્ત થઈ શકે છે. જોકે, સલમાન ખાનના પિતા સલીમ ખાને અગાઉ કહી ચૂક્યા છે કે માફી માંગવાનો અર્થ ભૂલ સ્વીકારવી થશે. તેમના જણાવ્યા મુજબ, સલમાને એવો કોઈ ગુનો કર્યો નથી.

વર્ષ 2018માં લૉરેન્સે જોધપુર કોર્ટમાં હાજરી દરમિયાન સલમાનને ધમકી આપી હતી. ત્યારબાદ સલમાનની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ હતી. એપ્રિલ 2024માં મુંબઈના બાંદ્રા સ્થિત સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયો હતો, જેની જવાબદારી લૉરેન્સના ભાઈ અનમોલે લીધી હતી. ઓક્ટોબર 2024માં સલમાનના નજીકના અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા પણ થઈ હતી. ત્યારબાદ સલમાનની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા હતા.

ટાઇગર પર થયેલી ગોળીબારની ઘટના બાદ ગેંગસ્ટર લૉરેન્સના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ પણ કહ્યું હતું કે બિશ્નોઈ સમાજ અથવા લૉરેન્સની સલમાન ખાન સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. વિવાદ માત્ર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે. તેમણે સલમાનને ફરી એકવાર ગુરુ જંભેશ્વર મહારાજની સમાધિ પર આવીને માફી માંગવાની સલાહ આપી છે. રમેશ બિશ્નોઈ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અબોહર વિસ્તારમાં રહે છે.

રમેશ બિશ્નોઈએ કહ્યું કે, 'અમને સમજાતું નથી કે સલમાન ખાન આટલી નાની વાત માટે વારંવાર કહેવા છતાં માફી કેમ નથી માંગી રહ્યા. તે આટલા જીદ્દી કેમ બની રહ્યા છે. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું.' તેણે સલમાન ખાનના પરિવારને પણ અપીલ કરી છે કે, જો કોઈ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો માફી માંગી લેવી જોઈએ.