વડોદરાના સિંઘરોટ ગામમાંથી વર્ષ 2022માં પકડાયેલા રૂપિયા 473 કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ (ATS)એ આ માહિતી આપી છે. સલીમ ડોલા વિદેશમાં બેસીને ભારતમાં ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો.
સલીમ ડોલા સામે ઈન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તે તુર્કિયેમાં હોવાની જાણ થતાં તુર્કિયેએ તેની ધરપકડ કરીને ભારતને સોંપ્યો હતો. હાલ ગુજરાત એટીએસએ તેને કબજામાં લઈને વધુ તપાસ શરૂ કરી છે.
વર્ષ 2022માં ગુજરાત એટીએસે વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડીને એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી શોધી કાઢી હતી. આ ફેક્ટરીમાંથી 473 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું અને 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલા આરોપી સૌમિલ પાઠક સાથે અગાઉ મુંબઈ જેલમાં સલીમ ઇસ્માઈલ ડોલા પણ હતો. સૌમિલ અને સલીમ વચ્ચે સંપર્ક થયો અને બંનેએ મળીને એમડી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી. ફેક્ટરીમાં બનાવેલું ડ્રગ્સ સલીમના સાગરીત અહેમાન શેખપુર પાસે પણ પહોંચાડવામાં આવતું હતું. આ કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો.
સલીમ ડોલા વિદેશમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. તેથી તેની ધરપકડ માટે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન સલીમ તુર્કિયેમાં હોવાનું જાણવા મળતાં તુર્કિયેએ તેની ધરપકડ કરીને ભારતને સોંપ્યો હતો. હવે ગુજરાત એટીએસ તેની પૂછપરછ કરી રહ્યું છે.
પૂછપરછમાં સામે આવ્યું છે કે સલીમ અગાઉ ઈકબાલ મિર્ચીના સંપર્કમાં રહીને કામ કરતો હતો. 1990ના દાયકામાં ઈકબાલ મિર્ચી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલો હતો ત્યારે સલીમ તેના માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.
સલીમ ડોલા અને તેના સાગરીતોએ ભારત સહિત વિદેશમાં ડ્રગ્સની હેરાફેરી માટે નેટવર્ક ઊભું કર્યું હતું. આ નેટવર્ક મારફતે કાયદેસર નિકાસ થતી વસ્તુઓના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને વિદેશમાં મોકલવામાં આવતું હતું. ત્યાં ડમી કંપની ઊભી કરીને આ ડ્રગ્સ સ્વીકારવામાં આવતું હતું. સલીમ ભારતીય પાસપોર્ટના આધારે દુબઈમાં પણ રહેતો હતો અને દુબઈ તથા કેન્યાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો.
સલીમ વિરુદ્ધ મુંબઈ, ભોપાલ અને ઈડી સહિત અલગ અલગ જગ્યાએ 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાતમાં પણ ડ્રગ્સ ફેક્ટરીમાં તેની સંડોવણી સામે આવતાં તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત સલીમ દાઉદ ઈબ્રાહીમના સંપર્કમાં હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.