વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
નવા વર્ષના પ્રથમ દિવસે કષ્ટભંજનદેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ દાદાના સિંહાસનને રંગબેરંગી અને સુગંધિત તાજા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ દિવ્ય શણગાર જોઈને ભક્તો ભાવવિભોર બની ગયા હતા.
મંદિરની પરંપરા મુજબ સવારે મંગળા આરતી અને ત્યારબાદ શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આરતીના સમયે સમગ્ર મંદિર પરિસર 'જયશ્રી રામ' અને 'કષ્ટભંજનદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો.
મંદિરના સંતોએ દર્શનાર્થે આવેલા ભક્તોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.