સત્ય. સાહસ. સંકલ્પ.

અરવલ્લીના સાકરીયા ગામમાં નવા વર્ષે લાલ શિંગડા અને પશુદોડ સાથે અનોખી પરંપરા ઉજવાઈ

અરવલ્લીના સાકરીયા ગામમાં નવા વર્ષે લાલ શિંગડા અને પશુદોડ સાથે અનોખી પરંપરા ઉજવાઈ

અરવલ્લી જિલ્લાના સાકરીયા ગામમાં બેસતા વર્ષના પવિત્ર પ્રસંગે વર્ષોથી ચાલી આવતી અનોખી લોકપરંપરા શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી.

ગામના ઐતિહાસિક સુતેલા હનુમાનજી મંદિર પરિસર નજીક પશુપાલકો અને ગ્રામજનોએ પશુઓના શિંગડા રંગીને ફટાકડાના અવાજ વચ્ચે પશુદોડ યોજી હતી. આ પરંપરા પશુધનની નિરોગીતા અને ગામની સુખ-સમૃદ્ધિ માટે નિભાવવામાં આવે છે.

સાકરીયા ગામ તેના દુર્લભ 'સુતેલા હનુમાનજી' મંદિર માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. અહીં નવા વર્ષની ઉજવણી માત્ર સ્નેહમિલન પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ પશુધન અને ગ્રામીણ સંસ્કૃતિના વિશેષ સન્માન સાથે જોડાયેલી છે. આ વર્ષે પણ બેસતા વર્ષની સાંજે ગામના પશુપાલકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

પરંપરા મુજબ સૌપ્રથમ ગાયો અને બળદોના શિંગડાને પરંપરાગત લાલ રંગથી રંગવામાં આવ્યા હતા, જે શુભ અને આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ ચોક અને ગ્રામીણ માર્ગો પર ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવામાં આવ્યા હતા અને ગામની ગલીઓમાં દોડાવવામાં આવ્યા હતા.

દશકોથી ચાલતી લોકમાન્યતા મુજબ આ પરંપરા નિભાવવાથી પશુઓ આખું વર્ષ નિરોગી અને તંદુરસ્ત રહે છે તથા પશુઓમાં આવતી મહામારીઓ કે રોગચાળા સામે રક્ષણ મળે છે. સાથે જ આ ધાર્મિક અનુષ્ઠાનથી સમગ્ર ગામમાં સુખ, શાંતિ અને બરકત જળવાઈ રહે છે તેવો દ્રઢ વિશ્વાસ છે. પશુદોડના આ દ્રશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પશુઓને દોડાવવાની આ અનોખી વિધિ પૂર્ણ થયા બાદ વાતાવરણ વધુ ઉત્સવમય બન્યું હતું. સૌ ગ્રામજનો, વડીલો અને યુવાનોએ હર્ષોલ્લાસ સાથે એકબીજાને ગળે મળીને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા અને વડીલોના આશીર્વાદ લીધા હતા. સાકરીયા ગામનો આ પરંપરાગત ઉત્સવ ગ્રામીણ એકતા, સંસ્કૃતિ અને પશુઓ પ્રત્યેના વિશેષ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.