બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને તાજેતરમાં તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બાલ્કનીમાં ઇલેક્ટ્રિક ગિટાર વગાડતા જોવા મળે છે. આ વીડિયોમાં સૈફ કેટલાક સંગીતકારો સાથે ફ્યુઝન કરતા પણ નજરે પડે છે. તેમણે પીળા રંગનું ઇલેક્ટ્રિક ગિટાર પકડ્યું હતું, જેની આસપાસ એમ્પ્લિફાયર અને અન્ય સંગીતનાં સાધનો ગોઠવેલા હતા.
આ વીડિયા પર તેમની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાને રોમેન્ટિક ટિપ્પણી કરી છે. તેણે લખ્યું, “દુનિયાનો સૌથી કૂલ પતિ કોણ છે? શું હું કહી શકું, મારો?”
વીડિયો શેર કરતી વખતે સૈફે પોતાની પોસ્ટમાં રમૂજી અંદાજમાં લખ્યું, “ગ્રૂવ મળી ગયો, ટેમ્પો ખોવાઈ ગયો, છતાં ખૂબ મજા આવી.” ઉલ્લેખનીય છે કે સૈફે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવ્યું છે.
સૈફનો સંગીત સાથેનો સંબંધ નવો નથી. તે અગાઉ પણ અનેક પ્રસંગોએ સંગીતમાં પોતાની રુચિ દર્શાવી ચૂક્યો છે અને ગિટાર વગાડવાની કુશળતા પણ બતાવી છે. તે રોક બેન્ડ્સ સાથે પરફોર્મ કરી ચૂક્યો છે, જેમાં પરિક્રમા પણ સામેલ છે.
મે 2025માં કરીનાએ સૈફ અને તેમના મોટા દીકરા તૈમૂર અલી ખાન સાથે ઘરે જામિંગ કરતી તસવીરો શેર કરી હતી. તે સમયે કરીના ગન્સ એન રોઝિઝના કૉન્સર્ટમાં જઈ શકી નહોતી, તેથી તેણે ઘરે જ પોતાના મ્યુઝિશિયન શોધી લીધા હતા. તેણે પિતા-પુત્રની તસવીરો સાથે લખ્યું હતું, 'કદાચ હું ગન્સ એન રોઝિઝ ચૂકી ગઈ, પરંતુ મારી પાસે મારા પોતાના બેન્ડના લોકો છે.'
સૈફે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી પોસ્ટ પટૌડી લાઇબ્રેરીને સમર્પિત હતી, જેમાં તેઓ લાઇબ્રેરીની અંદર પોઝ આપતા અને વાંચતા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, સૈફ તાજેતરમાં અમિતાભ બચ્ચનના ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં જોવા મળ્યો હતો. તે અક્ષય કુમાર સાથે પોતાની ફિલ્મ 'હૈવાન'નું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. શોમાં સૈફે અમિતાભ બચ્ચનની સામે 10મા પ્રશ્નનો સાચો જવાબ આપીને બે વર્ષ સુધી મફત ગોવર્ધન ઘીની સપ્લાઈ જીતવાનું ઇનામ મેળવ્યું હતું. ઇનામ વિશે જાણીને તેની ખુશીનો વીડિયો વાયરલ થયો હતો અને ત્યાર બાદ ફેન્સે તેને પ્રેમથી “ઘી લિજન્ડ” કહેવાનું શરૂ કરી દીધું.
તાજેતરમાં સૈફ અને કરીના 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યાં સૈફે મજાકમાં જણાવ્યું હતું કે તેને હજુ સુધી બે વર્ષની ઘીની સપ્લાઈ મળી નથી.