બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન 56 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ખુલ્લા આકાશ નીચે શર્ટલેસ થઈને સૂર્યનમસ્કાર કરતા જોવા મળે છે.
વીડિયોમાં સૈફ માત્ર ફિટનેસ શોર્ટ્સમાં પોતાના ગાર્ડનમાં યોગાસન કરતા દેખાય છે. 56 વર્ષની ઉંમરે તેમની ફિટ બોડી અને લચીલાપણું જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સૈફ ચાર બાળકોના પિતા છે, છતાં તેમનો ફિટનેસ પ્રત્યેનો ઉત્સાહ યુવાનોને પણ પ્રેરણા આપે તેવો છે.
આ વીડિયો શેર કરતા સૈફે કેપ્શનમાં લખ્યું, "હવે કામ પર પાછા ફરવાનો સમય આવી ગયો છે. પહેલા મન, પછી શરીર... એક સુખદ નવા વર્ષ માટે બધું જ ફરી પાટા પર લાવી રહ્યો છું." આ વીડિયો પર તેમની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાને મજેદાર ટિપ્પણી કરી છે. તેણે લખ્યું, "આજે સૂર્ય નમસ્કારમાં તમે મને પાછળ છોડી દીધી."
સૈફનો આ વીડિયો રાજસ્થાનના રાવલ નર્લાઈમાં સ્થિત એક હેરિટેજ રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યો છે. આ રિસોર્ટ જોધપુરના શાહી પરિવાર સાથે જોડાયેલું છે અને 17મી સદીની ઐતિહાસિક ઇમારત છે. રિસોર્ટનું સુંદર લોકેશન, સ્વિમિંગ પૂલ અને પાછળ દેખાતી એલિફન્ટ હિલ વીડિયોને ખાસ બનાવે છે. આ સ્થળ અરવલ્લીની પહાડીઓની વચ્ચે આવેલું છે.
સૈફ અલી ખાન હંમેશા જિમની ભારે કસરતો સાથે યોગ, વોકિંગ અને કુદરતી ફિટનેસ રૂટિન પર ભાર મૂકે છે. તેમની આ ફિટનેસને જોઈને ચાહકો તેમને બોલિવૂડના સૌથી ફિટ 50+ અભિનેતાઓમાંના એક ગણાવી રહ્યા છે.