નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ભાજપના આદિજાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ અંગે પત્રકારોએ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવાને પ્રશ્ન પૂછ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં ગણપત વસાવાએ એક પણ શબ્દ બોલ્યા વિના મૌન સેવ્યું હતું. વધુમાં, પ્રશ્નોથી બચવા માટે તેમણે પત્રકારોને હાથ જોડીને 'નમસ્કાર... ધન્યવાદ' કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
બીજી તરફ, આદિજાતિ મંત્રી નરેશ પટેલે જંગલ જમીન મુદ્દે દાવો કર્યો છે કે આગામી 15 નવેમ્બર સુધીમાં નિયમો મુજબ સાચા ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે 8 થી 10 દિવસમાં તમામ વિગતો મળી જશે.
એક તરફ મંત્રીએ સ્પષ્ટતા કરી છે, પરંતુ બીજી તરફ ગણપત વસાવાના આ મૌન અને ભાગવાના વીડિયોએ ચર્ચા જગાવી છે. સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદને લઈને આદિજાતિ સમુદાયમાં વ્યાપક ચિંતા છે.