સત્ય. સાહસ. સંકલ્પ.

સાગબારામાં જમીન હક્કપત્રની માગ વધી, લીલા વસાવાની 15 નવેમ્બર સુધીની ચેતવણી

સાગબારામાં જમીન હક્કપત્રની માગ વધી, લીલા વસાવાની 15 નવેમ્બર સુધીની ચેતવણી

નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીન પર ખેડાણ કરતા આદિવાસી ખેડૂતોને હક્કપત્ર આપવાનો મુદ્દો ફરી ગરમ થયો છે. સ્થાનિક આદિવાસી આગેવાન લીલા વસાવાએ સરકાર અને વહીવટી તંત્રને 15 નવેમ્બર સુધીમાં તમામ ખેડૂતોને હક્કપત્ર આપવાની માગ કરી છે. જો એ સમયમર્યાદામાં હક્કપત્ર ન મળે તો તેઓ આત્મવિલોપન કરવાની ચેતવણી આપી છે.

લીલા વસાવાએ જણાવ્યું કે ખેડૂતોને તેમના હક લેખિતમાં મળે તો તેઓ તેને સ્વીકારવા તૈયાર છે. મુખ્ય માગ એ છે કે જંગલ ખાતા તરફથી જમીન પરના હકનો પ્રશ્ન ઉકેલાય. લાંબા સમયથી આ પ્રશ્ન પડતર રહેતાં સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ સરકારની નીતિ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે 12 નવેમ્બરે આદિવાસી ખેડૂતો માંડવીની ટ્રાઇબલ સબ પ્લાન (TSP) કચેરી ખાતે એકત્ર થઈને અધિકારીઓ સમક્ષ જમીન સંબંધિત દાવા અને પડતર પ્રશ્નો રજૂ કરશે.

માંગરોલાના જણાવ્યા અનુસાર ખોપી ગામે ખેડૂતો સાથે પ્રાથમિક ચર્ચા થઈ છે. જો રજૂઆત પછી પણ ઉકેલ ન આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. તેમણે ચેતવણી આપી છે કે આ આંદોલન માત્ર બાર ગામ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટામાં ફેલાઈ શકે છે. હવે સરકાર અને વહીવટી તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.