નર્મદા જિલ્લાના સાગબારા જંગલમાં જમીન અંગેનો વિવાદ ચાલુ છે. આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ખેતી કરવાના મુદ્દે ઘર્ષણ થઈ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ ખેતી કરવા જાય ત્યારે વન વિભાગની ટીમ તેમને રોકે છે.
25 સપ્ટેમ્બરની સાંજે આદિવાસી આગેવાન લીલા વસાવા અને વનકર્મી વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી.
સાગબારા જંગલ જમીન વિવાદ અંગે 23 દિવસ ચાલેલા આંદોલન બાદ 31 ઓગસ્ટે ભાજપના બે મંત્રીઓ અને સાંસદે આંદોલનકારીઓને પારણાં કરાવ્યા હતા. તેમણે વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો. વનમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે પેન્ડિંગ દાવા અરજીઓને 90 દિવસમાં સનદ મળી જશે.
જોકે, ધરણાના પારણા થયાને એક મહિનો વીતી ગયો છે, તો પણ ખેડૂતો ખેતી કરવા જતાં વનકર્મી સાથે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. મંત્રીઓ અને તંત્રના આશ્વાસન છતાં જમીન ખેડાણ અંગે કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોમાં રોષ છે.
આ બાબતે આદિવાસી ખેડૂત આગેવાન લીલા વસાવાએ સરકારને ચીમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો ખેડૂતોની જમીન ખેડાણને લઈને 7 દિવસમાં કોઈ ઉકેલ ન આવે તો ખેડૂતો ગાંધીનગર ખાતે પોતાના હળ સાથે આંદોલન પર ઉતરશે.