નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં જંગલ જમીનનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. ખોપી ગામે 2 ઑક્ટોબરે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના નેતાઓએ ભાગ લીધો હતો. આ સભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને મહેશ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા.
ખેડૂતોનો આક્ષેપ છે કે, તેઓ 25 વર્ષથી જે જમીન પર ખેતી કરી રહ્યા છે, ત્યાં વન વિભાગ પ્લાન્ટેશન કરીને કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વન કર્મચારીઓ દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર ઉદ્યોગપતિઓને નજીવા ભાવે હજારો એકર જમીન આપી રહી છે, જ્યારે સાગબારાના ખેડૂતોને વર્ષોથી ખેતી કરતાં હોવા છતાં જમીનના અધિકારો આપવામાં આવતા નથી.
આગેવાનોએ જણાવ્યું કે, રાજ્યના વન મંત્રીએ ખેડૂતોને પારણાં કરાવી સનદ આપવાની વાત કરી હતી, પરંતુ તે માત્ર આશ્વાસન પૂરતું સાબિત થયું છે. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, "અમે તીર-કમઠાં બુઠ્ઠાં નથી લીધાં." તેમણે ચેતવણી આપી કે, હવે ખેડૂતો જેલભરો આંદોલન માટે પણ તૈયાર છે. તેમણે ભાજપના નેતાઓની ગેરહાજરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓને સંબોધતાં કહ્યું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે. તેમણે આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલવાની વાત કરી હતી. આ સાથે તેમણે આદિવાસીઓને "બનાવો તમારી ભીલીસ્તાન સરકાર" એવું આહ્વાન આપ્યું હતું.
ખેડૂત આગેવાનોએ જાહેરાત કરી છે કે, આગામી દિવસોમાં તેઓ બળદગાડાં સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરશે. અત્યાર સુધીના સત્યાગ્રહ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતાં હવે ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ UPI પેમેન્ટ બાબતે નિવેદન આપતાં કહ્યું કે, "વેપારીઓ દ્વારા મનાવવામાં આવી રહેલા UPI બ્લેક ડેનું અમે સમર્થન કરીએ છીએ. મને પણ આજે ડીઝલ પુરાવા માટે કેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. લોકોને આદત પાડી અને હવે ટેક્સ વસુલાત કરનારી આ સરકાર અંગ્રેજો જે પ્રકારે ટેક્સ લેતા હતા તે પ્રકારે કરી રહ્યા છે."
જંગલ જમીનના અધિકારનો મુદ્દો ફરી ગરમાતાં સાગબારા પંથકમાં આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવા સંકેતો મળી રહ્યા છે.