સત્ય. સાહસ. સંકલ્પ.

સાગબારામાં જંગલની જમીન વિવાદ: વનવિભાગે રોપા વાવતાં ખેડૂતોમાં રોષ

સાગબારામાં જંગલની જમીન વિવાદ: વનવિભાગે રોપા વાવતાં ખેડૂતોમાં રોષ

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણને લઈને ફરી એક વખત વિવાદ સર્જાયો છે. સ્થાનિક ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે વિવાદિત જમીન પર વનવિભાગે રોપા વાવવાની કામગીરી શરૂ કરી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, આ જમીનના મુદ્દે તેઓ અગાઉ ૨૫ દિવસ સુધી ધરણા પર બેઠા હતા. ત્યારબાદ બે મંત્રીઓ ખેડૂતો પાસે પહોંચ્યા હતા અને ૯૦ દિવસની અંદર જમીનની સનદ આપવાની ખાતરી આપ્યા બાદ ખેડૂતોએ પોતાનો આંદોલન પાછું ખેંચ્યું હતું.

જોકે, હવે વનવિભાગે એ જ જમીન પર રોપા વાવવાનું શરૂ કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો ખેડાણ કરવા પહોંચતાં વનકર્મીઓએ તેમને અટકાવ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ખેડૂતોએ પોતાના ઝૂંપડા તોડ્યાનો પણ આરોપ લગાવ્યો છે.

આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સરકાર અને વનવિભાગ વચ્ચે સંકલન અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને અગાઉ આપેલા વચનોનું પાલન થવું જોઈએ અને આવા વિવાદથી લોકોની તકલીફમાં વધારો થાય છે.