મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં ગેરકાયદે બનાવેલો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. હાલમાં આશરે 40 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે કરણી સેનાના સંભાગીય અધ્યક્ષ ચંદ્રભાન સિંહ અને તેના સાથી મનીષ લોધીએ મકાઈના ખેતરમાં સ્પિરિટમાંથી દારૂ તૈયાર કર્યો હતો. આ દારૂ બનાવવામાં રવિ લખેડા નામના વ્યક્તિની પણ સંડોવણી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે દારૂ સપ્લાય કરનારા એક આરોપીએ પણ આ જ દારૂ પીધો હતો, જેના કારણે તેનું પણ મોત થયું હતું. સાગર જિલ્લાના ગુગરા ખુડા ગામમાં સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઘટનાની માહિતી મળતાં જ મુખ્યમંત્રી મોહન યાદવ સાગર પહોંચ્યા હતા અને પીડિત પરિવારોને મળ્યા હતા. તેમણે અધિકારીઓને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં બેદરકારી બદલ ત્રણ આબકારી અધિકારીઓ અને બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે આ મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને વરિષ્ઠ પોલીસ અને આબકારી અધિકારીઓની ભૂમિકાની તપાસ અને રાજ્યભરમાં ગેરકાયદે દારૂ વિરુદ્ધ ખાસ અભિયાન ચલાવવાની માંગ કરી છે.