અમદાવાદ નજીક લપકામણમાં આવેલા કસુંબલ નેસમાં આયોજિત જાણીતા 'સફેદ પરિંદે' ગરબાના પ્રથમ દિવસે ગેરવ્યવસ્થા સામે આવી છે. 15,000 રૂપિયાના મોંઘા પાસ ખરીદ્યા બાદ અનલિમિટેડ ફૂડની જાહેરાત છતાં ગરબા શરૂ થયાના બે જ કલાકમાં ભોજન અને પીવાનું પાણી ખૂટી પડતાં ખેલૈયાઓમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ગરબાનું 16 અને 17 ઓક્ટોબરે બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. પાસ મહિના અગાઉથી વેચવામાં આવ્યા હતા. 15,000 રૂપિયાના પાસમાં અનલિમિટેડ ફૂડ અને અન્ય સુવિધાઓનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ દિવસે ખેલૈયાઓને કડવો અનુભવ થયો.
ગરબા રાત્રે 9 વાગ્યે શરૂ થયા અને 11 વાગ્યા સુધીમાં અનલિમિટેડ ફૂડ પૂરું થઈ ગયું હતું. 11 વાગ્યા બાદ જમવા આવેલા લોકોને જમવાનું ન મળતાં હોબાળો કર્યો હતો. કેટરિંગ સ્ટાફ હાજર ન હોવાથી કેટલાક લોકોએ જાતે કોફી બનાવીને પીવી પડી હતી, તો કેટલાકે જાતે પિત્ઝા બનાવ્યા હતા. ખાવા-પીવા માટે લૂંટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
લોકોની ભીડ વધતા આયોજકોએ મેન ગેટથી પ્રવેશ બંધ કરી દીધો હતો. હજારોના પાસ ખરીદ્યા બાદ પ્રવેશ બંધ થતાં ખેલૈયાઓમાં વધુ આક્રોશ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરીથી લોકોની એન્ટ્રી શરૂ કરાવી હતી. આ દરમિયાન પણ આયોજકોએ ખેલૈયાઓને કોઈ જવાબ આપ્યો ન હતો.
ગરબામાં ગયેલા ખેલૈયા વિક્રમસિંહ ગોહિલે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'સફેદ પરિંદે' ગરબા હજારો રૂપિયાના પાસની ફી વસૂલે છે પણ સુવિધાના નામે કંઈ જ આપતું નથી. વધારે પડતા પાસ વેચી દેવાતાં 12 વાગ્યે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી. પોલીસની દખલગીરી બાદ ખેલૈયાઓને અંદર આવવા દેવામાં આવ્યા. અંદર જઈએ તો ફૂડ અને પાણી ફ્રીમાં મળશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ફૂડ તો દૂરની વાત, ઘણા ખેલૈયાઓને પાણી પણ મળ્યું ન હતું. પાર્કિંગની પણ વ્યવસ્થા ન હતી. માતાજીની આરાધના નામે ખેલૈયાઓને લૂંટવાનું બંધ કરવા તેમણે નમ્ર વિનંતી કરી હતી.
આ અંગે દિવ્ય ભાસ્કરે આયોજક આકાશ પટવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.