સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં ઘટાડો: ગેરેન્ટેડ રીટર્ન માટે 5 લાખ રૂપિયા ક્યાં રોકાણ કરવા? જાણો 3 વિકલ્પ

શેરબજારમાં ઘટાડો: ગેરેન્ટેડ રીટર્ન માટે 5 લાખ રૂપિયા ક્યાં રોકાણ કરવા? જાણો 3 વિકલ્પ

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં 1200થી વધુ પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી લગભગ 400 પોઈન્ટ ઘટ્યો છે. રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

આ વર્ષના આંકડા પર નજર કરીએ તો સ્થિતિ વધુ ખરાબ છે, કારણ કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રોકાણકારોના 30 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. સાથે જ સેન્સેક્સ-નિફ્ટી 15 ટકા સુધી ઘટ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારો હવે પોતાના પૈસા બજારમાં રોકી રહ્યા નથી, પરંતુ અન્ય કોઈ રોકાણ વિકલ્પ વિશે વિચારી રહ્યા છે, જ્યાં તેમને સારું વળતર મળે અને બજારનું જોખમ પણ ન હોય.

જો તમે પણ આવા કોઈ વિકલ્પની શોધમાં છો, તો અમે તમને ત્રણ એવા ઓપ્શન જણાવી રહ્યા છીએ, જ્યાં પૈસા રોકીને સારી કમાણી કરી શકાય છે. આ રોકાણ યોજનાઓ છે- બેંક FD, પોસ્ટ ઓફિસ RD અને પોસ્ટ ઓફિસ FD. ચાલો જાણીએ કે 5 લાખ રૂપિયાના રોકાણ પર ક્યાં વધુ કમાણી થઈ શકે છે.

પોસ્ટ ઓફિસ RDમાં 5 લાખનું રોકાણ

જો તમે રિકરિંગ ડિપોઝિટમાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારે વાર્ષિક 1 લાખ રૂપિયા જમા કરવા પડશે, એટલે કે દર મહિને 8334 રૂપિયા રોકાણ કરવા પડશે. આ રોકાણ પર તમને વાર્ષિક 6.7% વ્યાજ મળશે. પાંચ વર્ષ પછી તમારી પાસે 5,91,634 રૂપિયા હશે, જેમાં વ્યાજથી થતી કમાણી 91,634 રૂપિયા હશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ

જો તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં પૈસા રોકવા માંગતા હો, તો તેમાં ત્રણ પ્રકારની પરિપક્વતા અવધિ સાથે રોકાણ કરી શકો છો. જોકે, 5 વર્ષની ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરવા પર તમને મોટો નફો મળી શકે છે અને તેમાં કરમાં છૂટનો લાભ પણ છે.

5 વર્ષની એફડી પર વાર્ષિક 7.50% વ્યાજ આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જો તમે તેમાં 5 લાખ રૂપિયા પાંચ વર્ષ માટે રોકો છો, તો કુલ 7,24,974 રૂપિયાની કમાણી થશે, જેમાં વ્યાજથી થતી કમાણી 2,24,974 રૂપિયા હશે.

5 વર્ષ માટે રોકાણ કરવા પર ટેક્સ છૂટનો લાભ મળે છે

ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. આ હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર તમે ઇન્કમ ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. એટલે કે તમારી કુલ વાર્ષિક આવકમાંથી આ કમાણી બાદ કરવામાં આવે છે. જોકે, આ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે જૂની ઇન્કમ ટેક્સ રિજીમ હેઠળ ITR ફાઇલ કરો છો.

એકાઉન્ટ કોણ-કોણ ખોલી શકે છે?

આ એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસમાં કોઈ પણ ખોલી શકે છે:

  • સિંગલ એકાઉન્ટ: કોઈપણ પુખ્ત વયના.
  • જોઈન્ટ એકાઉન્ટ: 2 કે 3 લોકો મળીને (જેમ કે તમે અને તમારી પત્ની).
  • બાળકો માટે: 10 વર્ષથી મોટા બાળકો પોતે ઓપરેટ કરી શકે છે, અથવા માતા-પિતા તેના માટે ખોલી શકે છે.

બેંક FD વ્યાજ

મોટાભાગની બેંકો તમને પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. આવી સ્થિતિમાં જો તમે 7 ટકા વ્યાજ માનીને 5 લાખ રૂપિયાનું રોકાણ કરો, તો પાંચ વર્ષ પછી તમને 5 લાખ રૂપિયાના બદલે 7,07,389 રૂપિયા મળશે. જેમાં વ્યાજથી થતી કમાણી 2,07,389 રૂપિયા હશે.