સત્ય. સાહસ. સંકલ્પ.

સચિન તેંડુલકરે લોનાવાલામાં રૂ.70 કરોડમાં ખરીદી 3.86 એકર જમીન

સચિન તેંડુલકરે લોનાવાલામાં રૂ.70 કરોડમાં ખરીદી 3.86 એકર જમીન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મુંબઈ નજીકના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં આશરે 70 કરોડ રૂપિયાની જમીન ખરીદી છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ સોદો 4 સપ્ટેમ્બર, 2026ના રોજ નોંધાયો હતો અને તેમાં કુલ 3.86 એકર (લગભગ 1.68 લાખ ચોરસ ફૂટ) જમીન સામેલ છે.

આ સોદો ત્રણ અલગ-અલગ વ્યવહારોમાં પૂરો થયો છે. સૌથી મોટા 3.09 એકરના પ્લોટ માટે સચિને 63.69 કરોડ રૂપિયા ચૂકવીને સંપૂર્ણ માલિકી મેળવી છે. બાકીના બે પ્લોટમાં તેણે 50 ટકા હિસ્સો ખરીદ્યો છે; આ બંને સોદાની કિંમત અનુક્રમે 4.56 કરોડ અને 1.75 કરોડ રૂપિયા છે. સમગ્ર વ્યવહાર માટે આશરે 4.20 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 90,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે.

લોનાવાલા મુંબઈ અને પુણે નજીકનું જાણીતું હિલ સ્ટેશન છે, જે સેલિબ્રિટીઝ માટે સેકન્ડ હોમનું લોકપ્રિય સ્થળ છે. સચિનના આ રોકાણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક યુઝર્સ અનુમાન કરી રહ્યા છે કે તેઓ ત્યાં નવું ઘર કે ફાર્મહાઉસ બનાવી શકે છે, પરંતુ આ અંગે સચિન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.