ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે તેમના મનપસંદ ટોપ-3 કેપ્ટનની પસંદગી કરી છે. રેડિટ પર યોજાયેલા એક પ્રશ્નોત્તરી સેશનમાં તેમણે પોતાના કેપ્ટનશીપના અનુભવ, મનપસંદ સુકાનીઓ અને દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાના નેતૃત્વ વિશે ખુલીને વાત કરી હતી.
એક યુઝરે સચિનને પૂછ્યું હતું કે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેનો તેમનો અનુભવ કેવો રહ્યો અને ટેમ્બા બાવુમાને તેઓ કેવી રીતે મૂલ્યાંકન કરે છે. જવાબમાં સચિને કહ્યું કે ભારતીય ટીમનું નેતૃત્વ કરવું તેમના માટે ખૂબ મોટા સન્માનની વાત હતી. તેમણે સ્વીકાર્યું કે 1990ના દાયકામાં તેમને પોતાની મરજી મુજબ સંપૂર્ણ ટીમ પસંદ કરવાની આઝાદી નહોતી. તેમણે ઉમેર્યું કે આજનું BCCI 1990ના દાયકાની સરખામણીએ ઘણું વધુ વ્યાવસાયિક સંગઠન બન્યું છે અને તે સમયે ભારતીય ક્રિકેટ અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું.
સચિને 1996થી 2000 વચ્ચે બે કાર્યકાળમાં ભારત માટે 25 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. માર્ચ 2000માં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ તેમણે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું અને ફરીથી ક્યારેય કેપ્ટન બનવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.
ટેમ્બા બાવુમા વિશે સચિને કહ્યું, "હું ટેમ્બા બાવુમાના જુસ્સાની સાચા અર્થમાં ખૂબ પ્રશંસા કરું છું. તેણે આગળ આવીને ટીમનું નેતૃત્વ સંભાળ્યું છે અને દક્ષિણ આફ્રિકન ક્રિકેટ માટે શાનદાર પરિણામો આપ્યા છે. દક્ષિણ આફ્રિકાનું ICC ટાઇટલ જીતવું એ વિશ્વ ક્રિકેટ માટે ઘણી સારી બાબત છે."
પોતાના મનપસંદ કેપ્ટન અંગે સચિને સ્પષ્ટ કર્યું, "જ્યાં સુધી મારા મનપસંદ કેપ્ટનનો સવાલ છે, તો સૌરવ ગાંગુલી અને એમએસ ધોની ચોક્કસપણે મારી યાદીમાં સૌથી ટોચ પર રહેશે."